ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યની આજીવન કારાવાસની સજા સસ્પેન્ડ, કયા કેસમાં ઠર્યા હતા દોષી

અમદાવાદઃ ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની આજીવન કારાવાસની સજા સસ્પેન્ડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને બિટકોઈન કેસમાં દોષી જાહેર કર્યા હતા. ગુજરાત હાઇ કોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા.
આ કેસમાં ઓગસ્ટ 2025માં અમદાવાદની એસીબી કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી વિવાદીત અને ચર્ચાસ્પજ બની હતી. એસીબી કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો.
આ કૌભાંડની શરૂઆત 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટથી થઈ હતી. શૈલેષ ભટ્ટ પર આરોપ હતો કે તેણે સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઈન, 11,000 લાઇટકોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આ રકમ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારોનું અપહરણ કરીને મેળવી હતી.
શૈલેષ ભટ્ટે આ બિટકોઈન મેળવ્યાની જાણકારી તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાથીઓ કેતન પટેલ અને કિરીટ પાલડિયાને થઈ. આ ત્રણેયે શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈન પડાવી લેવાનો પ્લાન બનાવ્યો. આ યોજનામાં કેતન પટેલ અને નલિન કોટડિયાએ અમરેલી પોલીસના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ સાથે હાથ મિલાવ્યા. યોજના મુજબ, શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરી તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો. આ દરમિયાન તેની પાસેથી પહેલાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર દ્વારા અંદાજે રૂ. 5 કરોડ રોકડા પડાવ્યા હતા.
આ મામલાની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારી પક્ષે 172 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જ્યારે બચાવ પક્ષે માત્ર એક સાક્ષી હતો. કમનસીબે, આ કેસમાં 92 સાક્ષીઓ ફરી ગયા હતા, છતાં પુરાવા અને દલીલોના આધારે કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા. લગભગ ત્રણ મહિના સુધી ચાલેલી અંતિમ દલીલો બાદ કોર્ટે આ ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા તમામ 14 આરોપીઓને આજીવન કેદની કઠોર સજા ફટકારી હતી.
આ કૌભાંડમાં ફરિયાદી હોવા છતાં, શૈલેષ ભટ્ટની ભૂમિકા પણ વિવાદાસ્પદ રહી હતી. તેના પર 2,257 બિટકોઈન અને 14.5 કરોડ રૂપિયા વાપરવા અથવા છુપાવવાનો આરોપ છે. તેણે પોતે પણ બીટ કનેક્ટ કંપનીના કર્મચારીઓનું અપહરણ કરીને ખંડણી મેળવી હતી. આ ઉપરાંત, તેણે સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર સામે પણ રૂ. 10 કરોડની લાંચ માંગવા બદલ ફરિયાદ કરી હતી, જેમાં રૂ. 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.



