પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમયાત્રા: રાજકોટમાં ટ્રાફિક પ્રતિબંધો, પોલીસ કમિશનરનું જાહેરનામું | મુંબઈ સમાચાર

પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમયાત્રા: રાજકોટમાં ટ્રાફિક પ્રતિબંધો, પોલીસ કમિશનરનું જાહેરનામું

રાજકોટ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યા બાદ, તેમની અંતિમયાત્રાના રૂટ પર રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણો અને નો-પાર્કિંગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ જાહેરનામું બહાર પાડ્યું હતું, જે 24 જૂન, 2025થી અમલમાં આવશે.

અંતિમયાત્રાનો રૂટ અને ટ્રાફિક પ્રતિબંધો

જાહેરનામા મુજબ, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી લાવવામાં આવશે, જ્યાંથી તેને ખાસ તૈયાર કરવામાં આવેલ શબવાહીનીમાં રાખીને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી, પુજીત મકાન સુધી લઈ જવામાં આવશે. આ રૂટ પર અંતિમયાત્રા પસાર થવાના એક કલાક પહેલાં તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવ્યું છે.

વિજય રૂપાણીની અંતિમયાત્રા પોલીસ કમિશનરનું જાહેરનામું

પ્રતિબંધિત રૂટમાં સમાવિષ્ટ મુખ્ય વિસ્તારો

ગ્રીન લેન્ડ ચોકડીથી કુવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્ષ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતો રસ્તો, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, ધરમ સિનેમા (આર. વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ, રેસકોર્ષ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ અને નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી પુજીત મકાન સુધી શબવાહીની પસાર થવાના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ-બંધ અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો -‏‏‎ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર…

મહત્વપૂર્ણ સૂચનાઓ

અંતિમયાત્રા પસાર થવાના સમય દરમિયાન ઉપરોક્ત રૂટ પર બંને બાજુની શેરીઓમાંથી કોઈપણ પ્રકારના વાહનો અંતિમયાત્રા/શબવાહીનીને ક્રોસ કરી શકશે નહીં. અંતિમયાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાયના તમામ વાહનો માટે આ પ્રતિબંધ લાગુ પડશે. તે ઉપરણત પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ પૂર્વે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામુ અમલમાં રહેશે, જેમાં પ્રકાશ સોસાયટી, પુજીત મકાનથી રામનાથપરા સ્મશાન સુધીના અંતિમયાત્રાના રૂટ પર પ્રવેશ બંધ અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button