ઓનલાઈન દવાના નામે વિદેશીઓને ચૂનો ચોપડ્યો: ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થતાં ખુલી શકે છે અનેક રહસ્ય

અમદાવાદઃ દવાના નામે વિદેશી નાગરીકોને છેતરનાર ચાર આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં મેટ્રોપોલિટન કોર્ટે ચારે આરોપીઓને બે-બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. બીજી તરફ આરોપીઓની કોલ ડિટેલ અને બેંક એકાઉન્ટની વિગત મેળવી પોલીસે વધુ તપાસ આદરી હતી. રિમાન્ડ દરમિયાન અનેક રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે.
રિમાન્ડ દરમિયાન આ મુદ્દાની કરાશે તપાસ
કોલ સેન્ટર પ્રકરણમાં નવરંગપુરા પોલીસે અભિષેક પાઠક, નિખિલ જૈન, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપીઓ ક્યાંથી વિદેશી નાગરીકોના ડેટા લેતા હતા?, આરોપીઓ સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલું છે?, આરોપીઓએ કોલ સેન્ટર ચલાવી કેટલા પૈસા કમાયા અને તેમાં કોને કેટલો ભાગ મળતો હતો?, આરોપીઓ પાસે જે ગેરકાયદે રીતે પૈસા આવતા હતા તેનાથી કોઇ જંગમ મિલકત ખરીદી છે કે નહીં? આરોપી ભણવા આવતા વિદ્યાર્થીઓને નોકરી રાખતા હતા તો આ પહેલાં કેટલા લોકોને આ રીતે નોકરી રાખ્યા છે?, આરોપીના ત્યાંથી કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેની તપાસ કરવાની છે, આરોપીઓ કામ કરતા વ્યક્તિઓને કેવી રીતે ટ્રેનિંગ આપતા હતા સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની જરૂર છે.
બંને પક્ષોએ શું કરી રજૂઆત
જો કે, આરોપીના વકીલે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસમાં સહકાર આપ્યો છે, પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીઓની હાજરીની જરૂર નથી, જે જાણતા હતા તે તમામ વિગત પોલીસને જણાવી દીધી છે તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે ચારે આરોપીઓને બે-બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. રિમાન્ડ પૂરા થયા બાદ શું વિગતો સામે આવે છે તેના પર નજર રહેશે.
આપણ વાંચો: સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર માટે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન હવે દરરોજ દોડશે



