
અમદાવાદઃ ગુજરામાં દારૂબંધી માત્ર કહેવા પુરતી જ હોય તેમ સમયાંતરે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં માંગો ત્યાં દારૂ સરળતાથી મળી રહે છે. તેમજ મોટા પાયે હેરાફેરી અને ગેરકાયદે વેચાણ થાય છે. કેટલાક અહેવાલો અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયાથી વધુનો દારૂ અને કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે, જે ગૃહ વિભાગના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ હોઈ શકે છે.
બે વર્ષમાં કેટલા કરોડનો દારૂ પકડાયો
છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. ઉપરાંત આ સમયગાળામાં રાજ્યમાં 2.87 કરોડનો દેશી દારૂ અને 11 કરોડનું બિયર પકડાયુ છે. જેના પરથી ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે તે સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં હવે ડ્રગ્સ પેડલરોનું પણ વ્યાપક નેટવર્ક છે જેના કારણે શહેરો જ નહીં, હવે તો ગામડાઓમાં પણ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. ગાંજો, અફીણ તો ઠીક, પણ હેરોઈન સહિત ડ્રગ્સ પણ બેફામપણે વેચાણ થઈ રહ્યુ છે. બે વર્ષમાં 3955 કરોડનું અફીણ, ગાંજો, હેરોઇન સહિત ડ્રગ્સ પકડાયું છે.
સૂત્રોએ શું કહ્યું?
રાજ્યમાં બુટલેગરો એટલા નિર્ભય બની ગયા છે કે તેમને પોલીસનો જાણે કોઈ ડર જ નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દૂષણના મૂળ છેક ગાંધીનગર સુધી ઊંડા છે, જ્યાં ‘હપ્તારાજ’ બેફામ રીતે ચાલી રહ્યું છે. ઉચ્ચ સ્તરેથી મળતા રક્ષણના કારણે બુટલેગરોને ઉની આંચ પણ આવતી નથી. આ સ્થિતિ પોલીસની કાર્યક્ષમતા અને કાયદાના શાસન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની બદી કાબૂમાં આવતી નથી, ત્યારે ખુદ શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો પણ આ અંગે ફરિયાદો કરી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ જાહેરમાં અને ખાનગીમાં પોલીસ અને બુટલેગરોની મિલીભગત સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ બાબત દર્શાવે છે કે આ સમસ્યા કેટલી જટિલ અને ઊંડે સુધી પ્રસરેલી છે, જ્યાં રાજકીય ઈચ્છાશક્તિ પણ ક્યાંક ને ક્યાંક ઓછી પડી રહી હોય તેમ લાગે છે. ઘણીવાર પોલીસકર્મીઓ જ દારૂની મહેફિલો માણતા પકડાયાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે દારૂબંધી ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગના વિકાસમાં અવરોધરૂપ છે. અન્ય રાજ્યો જ્યાં દારૂબંધી નથી, ત્યાં પ્રવાસીઓ વધુ આકર્ષાય છે. આ ઉપરાંત દારૂબંધીને કારણે રાજ્ય સરકારને દારૂના વેચાણમાંથી મળતી કરોડો રૂપિયાની મહેસૂલ ગુમાવવી પડે છે. આ પૈસા ગેરકાયદેસર ધંધામાં જાય છે અને સરકારના તિજોરીને નુકસાન થાય છે. કેટલીક વખત બોટાદ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ પણ બને છે.
આ પણ વાંચો…સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 42 લોકો પીધેલી હાલતમાં પકડાયા