
અમદાવાદઃ ગઈકાલે સુપ્રીમ કોર્ટે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો અને હાઇવે અને રસ્તાઓ સહિત સંસ્થાકીય સ્થળોએ રખડતાં કૂતરા કરડવાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત અધિકારીઓને સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હૉસ્પિટલોના પરિસરમાં રખડતાં કૂતરાને પ્રવેશતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.
આ દરમિયાન અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓની અંદાજિત વસ્તી વધીને 2.10 લાખ થઈ ગઈ છે, પરંતુ શહેર માંડ 500 કૂતરાઓને આશ્રય આપી શકે તેમ છે. AMC હવે ઢોરના તબેલાને કૂતરાઓના આશ્રયસ્થાનમાં રૂપાંતરિત કરી રહ્યું છે અને ક્ષમતા વધારવા માટે ટેન્ડરો બહાર પાડી રહ્યું છે. પ્રથમ વખત સમગ્ર શહેરમાં કૂતરાઓની વસતી ગણતરી પણ શરૂ કરવામાં આવશે. શહેરમાં દરરોજ સરેરાશ 181 લોકોને કૂતરા કરડવાની ઘટના બની રહી છે.
AMCના શેલ્ટર હોમની કેટલી છે ક્ષમતા
સૂત્રોએ જણાવ્યું, અમારી મુખ્ય ઑફિસ બિલ્ડિંગમાં જ નિયમિતપણે લગભગ 20-25 રખડતા કૂતરાઓ જોવા મળે છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લગભગ 40-50 ફરે છે. આ ઉપરાંત ગીતા મંદિર અને રાણીપ બસ ડેપો, કાલુપુર રેલવે સ્ટેશન અને સિવિલ તથા વી.એસ. હોસ્પિટલના કેમ્પસમાં પણ જોવા મળે છે. બે લાખથી વધુ રખડતા કૂતરાઓની વસ્તી સામે, AMCના શેલ્ટર હોમની ક્ષમતા માત્ર 400-500 કૂતરાઓની છે. આથી, AMCએ હાલના ઢોરના તબેલાઓને કૂતરાઓના શેલ્ટર હોમમાં ફેરવવાનું શરૂ કર્યું છે.
ક્યાં બનાવાશે શેલ્ટર હોમ
જે મુજબ વસ્ત્રાલ વોર્ડમાં આવેલ ઢોરનો તબેલો ₹1.30 કરોડના ખર્ચે 250-300 કૂતરાઓ માટે શેલ્ટર હોમમાં વિકસાવવામાં આવી રહ્યો છે. લાંભામાં ઈન્દિરાનગર અને નરોડા ખાતેના સમાન પ્રોજેક્ટ્સ કુલ ક્ષમતાને આશરે 500-600 કૂતરાઓ સુધી લઈ જશે.સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં, રખડતા કૂતરાઓને પકડીને ખસીકરણ કરીને ‘એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ’ હેઠળ છોડી દેવામાં આવે છે. પરંતુ નવા આશ્રયસ્થાનો તૈયાર થયા પછી, આક્રમક અથવા વારંવાર કરડનારા કૂતરાઓને (ભલે તે રખડતા હોય કે પાળેલા) છોડવાને બદલે ત્યાં રાખવામાં આવશે.
66,136 લોકોને કૂતરાએ બચકાં ભર્યા
AMCના નવા આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીથી ઑક્ટોબર 2025 વચ્ચે 66,136 લોકોને રખડતા કૂતરાઓએ કરડ્યા હતા. જેનો મતલબ છે કે શહેરમાં દરરોજ સરેરાશ 181 કૂતરા કરડવાની ઘટનાઓ બની હતી. શહેરમાં અંદાજિત 2.10 લાખ રખડતા કૂતરાઓમાંથી 1.92 લાખ કૂતરાઓને રસી આપવામાં આવી છે અને તેમનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આંકડાકીય રીતે, આ વર્ષે દર ચોથા રખડતા કૂતરાએ કોઈ વ્યક્તિને કરડ્યો છે, જેણે આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. AMCએ પ્રથમ વખત શહેરના તમામ 48 વોર્ડમાં રખડતા કૂતરાઓની વસ્તી ગણતરી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ વ્યાપક સર્વેક્ષણ, જે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, તે સુધારેલા નસબંધી અભિયાન અને સંસાધનોની ફાળવણી માટે વોર્ડ-વાર ચોક્કસ ડેટા પ્રદાન કરશે.
અમદાવાદમાં તાજેતરમાં જ જર્મન શેફર્ડે બે બાળકો પર કર્યો હતો હુમલો
બે દિવસ પહેલા શહેરના ન્યૂ મણીનગર વિસ્તારમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો હતો. મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી, ત્યારે બાળક શ્વાનને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને શ્વાને બાળકની પાછળ દોટ મુકી હતી. એક બાળક નીચે પડી જતાં દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પહેલા મે મહિનામાં પણ શહેરમાં આવી ઘટના બની હતી. હાથીજણમાં રહેતી એક યુવતી પાલતુ શ્વાન લઈને ટહેલવા નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટો ગયો હતો અને તેણે અન્ય યુવતી અને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યા હતા. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવાયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી છે તેમ જ શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા એટેચ કરવા પડે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-2023 ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદોઃ રસ્તા અને હાઈવે પરથી રખડતા જાનવરોને હટાવવાનો આદેશ



