માવઠાની આગાહીને પગલે ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ: ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી…

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, માવઠાની આગાહીને પગલે હવામાનમાં પલટો આવ્યો હતો, રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80 ટકા કરતાં પણ વધુ ભેજનું પ્રમાણ નોંધાયું હતું, જેથી દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ હતી. હજુ પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે.
ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી
રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના નગરો પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, માર્ગો પર કાંઈ ન દેખાતા વાહનચાલકોએ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તે ઉપરાંત એરપોર્ટ પર પણ વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ જતાં રવિવારે 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી. જ્યારે સોમવારે પણ સવારના ભારે સ્મોગ વચ્ચે દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈની ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી.
ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગો પર ઇન્ડ્યુસ લો પ્રેશર
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગો પર ઇન્ડ્યુસ લો પ્રેશર સર્જાયું છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે એટલે કે રાજસ્થાન તરફથી આવતા પવનોને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજ ગુજરાત પર સ્થાયી થયા છે, જેને કારણે દિવસ દરમિયાન સીધો સૂર્યપ્રકાશ જમીન પર પહોંચી શકતો નથી અને વાતાવરણના ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકતો નથી.