Ahmedabad માં પાંજરાપોળ નજીક ફ્લાયઓવર બનશે, હાઇકોર્ટે જાહેરહિતની અરજી ફગાવી

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરમાં પાંજરાપોળ ફ્લાયઓવરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે, ફ્લાયઓવરના સામેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ચુકાદો આપતા કહ્યું હતું કે, કોર્ટને એવી છૂટ નથી અને એ શક્ય પણ નથી કે તે ‘લક્ષ્મણ રેખા’ ઓળંગીને તંત્રના નીતિ વિષયક નિર્ણય પર પોતાનો દૃષ્ટિકોણ કે નિર્ણય થોપી શકે.
અરજદારની દલીલો રીતસરની ફગાવી દીધી
પ્રસ્તુત કેસમાં ફ્લાયઓવરના નિર્માણનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનિકલ નિષ્ણાતોના રિપોર્ટના આધારે લીધો છે. તેવા કિસ્સામાં ટેકનિકલ અભિપ્રાયને નજરઅંદાજ કરીને કોર્ટ તેને ગેરકાયદે જાહેર કરી શકે નહીં. આ મહત્ત્વપૂર્ણ તારણ સાથે હાઇકોર્ટે ફ્લાયઓવરના નિર્માણના પગલે વૃક્ષો કપાતા ગ્રીન કવર ઘટશે, બ્રિજ બનાવનારી કંપનીનો રેકોર્ડ ખરાબ છે અને આ વિસ્તારમાં ટ્રાફિક ઘટ્યો સહિતની અરજદારની દલીલો રીતસરની ફગાવી દેતા મનપાને મોટી રાહત મળી હતી.
મનપા નવા 30 લાખ વૃક્ષો વાવશે
ચીફ જસ્ટિસની બેન્ચે 70 પાનાના ચુકાદામાં અરજદારોની દલીલોની ઝીણવટભરી છણાવટ કરી નોંધ્યું હતું કે, મનપા પ્રજાના બહોળા હિત માટે ફ્લાયઓવર બનાવી રહી છે ત્યારે બ્રિજના નિર્માણથી વૃક્ષો કપાશે અને ગ્રીન કવર ઘટશે એવી દલીલ અપ્રસ્તુત જણાય છે. કેમ કે, મનપા નવા 30 લાખ વૃક્ષો વાવશે.
બ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની રણજીત કન્સ્ટ્રક્શન હોવાથી અરજદારોના મોટાભાગના આક્ષેપો રણજીત બિલ્ડકોન વિરૂદ્ધના છે. તેથી અરજદાર ઉક્ત કોઇ પણ દલીલ ટકી શકે એમ ન હોવાથી રિટ પિટિશન રદ કરી હતી.
બ્રિજના નિર્માણમાં અગાઉથી જ વિલંબ
હાઇકોર્ટે ચુકાદાના અંતે નોંધ્યું હતું કે, આ જાહેરહિતની અરજીના પગલે બ્રિજના નિર્માણમાં અગાઉથી જ વિલંબ થઇ ગયો છે અને જો હજુ વધુ વિલંબ થશે તો જાહેર નાણાંને નુકસાન થશે અને ખરેખર તો એ જાહેરહિતથી વિપરીત હશે. તેથી આ રિટને રદ કરવામાં આવે છે.