કોમનવેલ્થની તૈયારી, અમદાવાદમાં અહીં બનશે રાજ્યનો પ્રથમ લો રાઈઝ મોલ; હશે આવી સુવિધાઓ

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી 2030 કોમનવેલ્થને લઈ અત્યારથી જ તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરવાનો નિર્ણય લીધો હતો. તેના વડા તરીકે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રભારી પી ટી ઉષાની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ વિવિધ પ્રોજેક્ટ્સના ભંડોળ પર નજર રાખશે. કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રાજ્યના પ્રથમ પ્રીમિયમ લો રાઈઝ મોલનું નિર્માણ કરવામાં આવશે. ગોધાવીમાં બની રહેલા ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સથી માત્ર 2 કિમી દૂર નિધરાડ ગામમાં ગુજરાતનો પ્રથમ પ્રીમિયલ લો રાઈઝ શોપિંગ ડેસ્ટિનેશન આકાશ પામશે.
150 કરોડનું રોકાણ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગોધાવીમાં ગોધવીમાં ‘સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના’ (SWASA) તૈયાર થાય તે પહેલા, 2027ની શરૂઆત સુધીમાં આ શોપિંગ અને ફૂડ ડેસ્ટિનેશન તૈયાર થઈ જશે. સાણંદમાં પ્રસ્તાવિત સ્પોર્ટ્સ ક્લબથી 250 મીટર દૂર સ્થિત આ રિટેલ પ્રોજેક્ટ રૂ. 150 કરોડના રોકાણ સાથે તૈયાર થઈ રહ્યો છે.
શું હશે આ મોલની ખાસિયત
અમેરિકા જેવા દેશોમાં જોવા મળતા ‘આઉટલેટ મોલ્સ’ (જ્યાં ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ મળે છે) કરતા અલગ, આ એક પ્રીમિયમ-બ્રાન્ડ લો-રાઈઝ મોલ હશે. 23 હજાર ચોરસ વારના પ્લોટમાં 3.5 લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવશે. યુરોપિયન સ્થાપત્યકળાથી પ્રેરિત આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળ હશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ અને પ્રથમ તથા બીજા માળે શોપિંગ અને ફૂડ આઉટલેટ્સ હશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદને એક અનોખો શોપિંગ અનુભવ આપવા માટે અહીં પ્રીમિયમ બુટિક સ્ટોર્સ અને ફૂડ આઉટલેટ્સ હે. અહીં ડિઝાઇનર વેર, પાર્ટીવેર અને ઇન્ડિયન વેરની સાથે ‘એથ્લેઝર’ (સ્પોર્ટ્સ અને કેઝ્યુઅલ મિક્સ) બ્રાન્ડ્સ લાવવાનો પણ વિચાર છે. આ ઉપરાંત કોમેડી શો, ફ્લી માર્કેટ (મેળા) જેવી અનોખી ઇવેન્ટ્સ સાથે તેને પરિવારો માટે ‘વન-ડે પિકનિક ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવામાં આવશે.
ઔડા દ્વારા મંજૂર કરાયેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ‘ગ્રીન પ્રોજેક્ટ’ હશે, જેમાં સોલર પેનલ્સ, વોટર હાર્વેસ્ટિંગ અને ઊર્જા બચાવતા મટીરિયલનો ઉપયોગ થશે. આ પ્રોજેક્ટ IGBC ગોલ્ડ સર્ટિફિકેશન મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ડેસ્ટિનેશન ભાડા અને રેવન્યુ શેરિંગ મોડલ પર કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર દાયકાઓથી આશ્રમ રોડથી એસ.પી. રિંગ રોડ તરફ પશ્ચિમમાં વિસ્તરી રહ્યું છે. હવે છેક છેવાડાના ગામોમાં પ્લોટિંગ પ્રોજેક્ટ્સ અને પ્રીમિયમ ક્લબ્સ આવી રહ્યા છે. ગોધાવી ‘સ્પોર્ટ્સ વિલેજ’ તરીકે વિકસી રહ્યું હોવાથી આ સમગ્ર પશ્ચિમ પટ્ટાનો વિકાસ વેગ પકડશે.



