મુંબઈના સિંગલ મેલનું સપનું અમદાવાદે આ રીતે પૂરુ કર્યું

અમદાવાદઃ એક સ્ત્રીને માતા બનવાની અને મમતા લૂંટાવવાની જેટલી ઈચ્છા હોય છે તેટલી પુરુષને પણ હોય છે, પરંતુ સ્ત્રીના માતૃત્વ કે મમત્વ વિશે જેટલું લખાયું કે ગવાયું છે તેટલું લગભગ પુરુષ માટે નથી થયું. જોકે મુંબઈથી આવો જ એક યુવાન અમદાવાદ આવ્યો અને તેની ઈચ્છા અમદાવાદે પૂરી કરી. આ સાથે અમદાવાદની આ પહેલી ઘટના પણ બની.
મુંબઈમાં રહેતા એક 34 વર્ષીય યુવાનને પિતા બનવાની ઘણી ઈચ્છા હતી. યુવાનનું લગ્નજીવન કે સંબંધો એવા ન રહ્યા કે તે પિતા બની શકે અને અમુક અનુભવો કડવા પણ રહ્યા. તેને વિશ્વાસ ન હતો કે તે પિતા બની એક સંતાનને સારી રીતે ઉછેરી શકશે. ધીમે ધીમે તેણે આ વિશ્વાસ એકઠો કર્યો અને માતા-પિતા સામે ઈચ્છા મૂકી કે તે એક સંતાન દત્તક લેવા માગે છે.
સંતાનને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે અને ખાસ કરીને જ્યારે સિંગલ મેલ સંતાન દત્તક લે ત્યારે ઘણી બધી તપાસ થતી હોય છે. આ તમામ પ્રક્રિયામાંથી પસાર થઈ આ યુવાને અમદાવાદ ખાતે આવેલા શિશુ ગૃહમાંથી એક 3 વર્ષીય બાળકને દત્તક લીધું અને તે હવે એક દીકરાનો બાપ બની ગયો છે.
આ પણ વાંચો : રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના પ્રાઈવેટ વીડિયો મામલે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા; અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ
આ અંગે શિશુગૃહ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ આખા ગુજરાતમાં આ પહેલી ઘટના હોઈ શકે કે એક સિંગલ ફાધરે બાળક એડોપ્ટ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે સિંગલ મધર બાળક એડોપ્ટ કરતી હોય છે. સરોગસી બંધ થયા બાદ નિઃસંતાનો માટે બાળક મેળવવા અડોપ્શન એક સારું ઑપ્શન છે.
રાજ્યમાંથી દર વર્ષે લગભગ 30 જેટલા બાળક દત્તક આપવામાં આવે છે. બાળકોને પરિવાર મળ્યાનો આનંદ અને પરિવારને બાળક મળ્યાનો આનંદ હોય છે.