પ્રથમ LNG ટ્રેનનું અમદાવાદમાં આગમન, એકવાર ટેન્ક ફૂલ કરાવતા 2,200 કિમીની ‘નોન-સ્ટોપ’ દોડ!

અમદાવાદ: ભારતીય રેલવે દ્વારા પર્યાવરણની જાળવણી અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. દેશની સૌપ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સંચાલિત ટ્રેન અમદાવાદ પહોંચી છે, જે ભારતીય રેલવેમાં ક્લીન એનર્જીના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. આ અત્યાધુનિક ટ્રેનની ખાસિયત એ છે કે તે એકવાર ટેન્ક ફૂલ કરાવ્યા બાદ 2,200 કિમી સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે.
અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)ના જણાવ્યા અનુસાર, પરંપરાગત ડીઝલ એન્જિનની સરખામણીમાં LNG આધારિત સિસ્ટમ ત્રણ ગણા વધુ ફાયદા આપે છે. આ ટેકનોલોજી માત્ર ખર્ચમાં જ ઘટાડો નથી કરતી, પરંતુ પર્યાવરણ માટે પણ અત્યંત ટકાઉ સાબિત થશે. ભારતીય રેલવેમાં પ્રથમ વખત પેસેન્જર ટ્રેનને LNG ઇંધણથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ પહેલ હેઠળ, અગાઉ સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર રહેતી DEMU અને DPC ટ્રેનોને હવે ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. આશરે 1,400 હોર્સપાવરની ક્ષમતા ધરાવતા બે પાવર કારને અપગ્રેડ કરવામાં આવ્યા છે અને તે 2,000 કિમીથી વધુના ટ્રાયલ બાદ હવે નિયમિત પેસેન્જર સેવામાં કાર્યરત છે.
LNG ટેકનોલોજીના ફાયદાઓ વિશે વાત કરતા રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઇંધણથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને અન્ય હાનિકારક કણોના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થાય છે, જે રેલવે રૂટ પર હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે. આર્થિક દૃષ્ટિએ પણ આ ફેરફાર અત્યંત લાભદાયી છે; એક અંદાજ મુજબ આઠ કોચ ધરાવતી DEMU ટ્રેનમાં વાર્ષિક અંદાજે ₹23.9 લાખની બચત થઈ શકે છે. લાંબી રેન્જ હોવાને કારણે વારંવાર ઇંધણ ભરવાની જરૂરિયાત પણ ઘટશે.
હાલમાં મહેસાણા-સાબરમતી સેક્શન પર આ ટ્રેનના ટ્રાયલ ચાલી રહ્યા છે અને આગામી નજીકના ભવિષ્યમાં વધુ 8 થી 10 ટ્રેનોમાં આ ટેકનોલોજીનો વિસ્તાર કરવાની યોજના છે. પ્રદૂષણમાં ઘટાડો અને ઓપરેશનલ ખર્ચમાં કરકસર સાથે, આ પગલું પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે હિતકારી સાબિત થશે.
આ પણ વાંચો અમદાવાદમાં મકાનના વિવાદમાં કપાતર દીકરાએ દંડાવાળી કરી લીધો માતાનો જીવ! પોલીસે આરોપીને દબોચીઓ



