અમદાવાદની ગગનચુંબી ઇમારતો પર આગનું જોખમ, ૩૦૦થી વધુ ઇમારતો પાસે માન્ય ફાયર NOC નથી
નોટિસ છતાં, બોડકદેવ, સેટેલાઇટ અને શાહીબાગ જેવા મુખ્ય વિસ્તારોમાં નથી થઈ રહ્યો અમલ

અમદાવાદઃ રાજ્યમાં 27 લોકોનો ભોગ લેનારી રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, છતાં ફાયર સેફ્ટીના અમલ અંગે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદમાં 309 ઊંચી ઇમારતો પાસે માન્ય ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના ડેટા મુજબ, આમાંથી 259 ઇમારતો રહેણાંક છે, જ્યારે 50 ઇમારતો કોમર્શિયલ-કમ-રહેણાંક છે.
બોડકદેવમાં 8, ડ્રાઇવ ઇનમાં 5, એલિસબ્રિજ અને સેટેલાઇટમાં 4-4, ઘાટલોડિયા અને નવરંગપુરામાં 3-3, નવરંગા, શાહીબાગ અન વેજલપુરમાં 2-2 તથા મેમનગર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, અંબાવાડી, મિથ્યાખાલી, ખાનપુર અને માણેકબાગમાં 1-1 માન્ય એનઓસી વગરની કોમર્શિયલ-કમ-રહેણાંક ઇમારતો છે.
ફક્ત રહેણાંક શ્રેણીમાં, માન્ય એનઓલી વગરની ઇમારતો આખા શહેરમાં ફેલાયેલી છે. બોડકદેવ 24 ઇમારતો સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ સેટેલાઇટમાં 16, શાહીબાગમાં 18, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર અને ઘાટલોડિયામાં10-10, નવરંગપુરા, પ્રહલાદનગર અને ખાનપુરમાં 8-8, એલિસબ્રિજ અને પાલડીમાં 7-7, આંબાવાડી અને સારંગપુરમાં આવી 6-6 ઇમારતો છે, જ્યારે માણેકબાગ અને ડ્રાઇવ-ઇનમાં 5-5 છે. ગોતા, પ્રહલાદ નગર, ચાંદખેડા, આશ્રમ રોડ, ગુરુકુળ, મેમનગર, મણિનગર, સોલા અને વાસણામાં આવી 4-4 ઇમારતો છે. નવરંગપુરા, સાબરમતી અને ઉસ્માનપુરામાં 2-2 તથા મીઠાખળીમાં એક ઇમારત છે.
સારંગપુર, ગોતા અને પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં, જ્યાં તાજેતરમાં ઘણા નવા રહેણાંક ટાવર્સનું નિર્માણ થયું છે, ત્યાં એનઓસીનું પાલન ન કરતી ઇમારતોની હાજરી ચિંતાનું કારણ છે. બોડકદેવ, સેટેલાઇટ અને શાહીબાગ જેવા જાણીતા કોમર્શિયલ અને રહેણાંક કેન્દ્રોમાં પણ સૌથી વધુ ઊંચી ઇમારતો ફાયર સેફ્ટી ક્લિયરન્સ વગર કાર્યરત છે.
એએમસીના ડેટા અનુસાર, એનઓસી વગરના કેટલાક જાણીતા કોમર્શિયલ-રહેણાંક કોમ્પ્લેક્સમાં બોડકદેવમાં જજીસ બંગલો રોડ પર આવેલું ગેલેક્સી ટાવર્સ (મલ્ટીપલ બ્લોક), હિમાલયા મોલ નજીક ઇન્દ્રપ્રસ્થ ટાવર્સ, શ્યામલ રો હાઉસ નજીક રાહુલ ટાવર અને પંચવટી સર્કલ નજીક તક્ષશિલા ટાવર્સનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનમાં, ૧૩૨-ફીટ રીંગ રોડ પર આવેલું એવરેસ્ટ ટાવર, શાહીબાગમાં ઘેવર કોમ્પ્લેક્સ, ખાનપુરમાં રોયલ એપાર્ટમેન્ટ, અને ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક સબીના એપાર્ટમેન્ટ પણ માન્ય એનઓસી વગરની યાદીમાં છે. સેટેલાઇટ અને પશ્ચિમ વિસ્તારો જ્યાં નોંધપાત્ર રિયલ એસ્ટેટ વિકાસ થયો છે, તેમાં ઇસ્કોન મંદિર સામે શાકમ્બા ટાવર્સ, માણેકબાગમાં વાસુપૂજ્ય ટાવર, નવરંગપુરામાં વ્રજ ભૂમિ અને આનંદનગર ક્રોસરોડ્સ નજીક અગ્રવાલ એપાર્ટમેન્ટ્સ (મલ્ટીપલ બ્લોક) જેવા નામનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું કે, ઘણીવાર લોકો એવું માને છે કે જ્યાં સુધી સાયરન ન વાગે ત્યાં સુધી તેમની ઇમારત સલામત છે. પરંતુ તંત્રએ કડક ઓડિટ કરવું જોઈએ અને બીજી દુર્ઘટના બને તે પહેલાં નક્કર પગલાં ભરવા જોઈએ.
આ પણ વાંચો…વડોદરાના ડભોઈમાં પૂંઠા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહી