Ahmedabad ના વાસણામાં લાગેલી આગમાં 25 ઝૂંપડા બળીને ખાખ, કોઇ જાનહાનિ નહિ…
અમદાવાદ : અમદાવાદના(Ahmedabad)વાસણા વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં કોર્પોરેશનના કચરો એકત્ર કરવા માટે બનાવેલા રિફ્યુજ સ્ટેશન પાસેના ઝૂંપડાઓમાં આગ લાગી હતી. આ આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ભીષણ આગમાં લગભગ 25 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ લાગી ત્યારે ઝૂંપડાઓમાં કોઈ હાજર ન હતું, તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
Also read : અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી
આ અંગે મળતી માહિતી મુજબ આ ઝૂંપડાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાના વાહનોમાં કામ કરતા કામદારોના હતા. આ કામદારો કામચલાઉ ઝૂંપડાઓમાં રહેતા હતા. આ આગ લાગી ત્યારે બધા કામદારો કામ પર હતા. જ્યારે તેમના બાળકો શાળામાં હતા. જેના લીધે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.આ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા
આ આગની માહિતી મળતા જ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને સ્થાનિક કાઉન્સિલર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
Also read : Govt. Job: સિવિલ જજની ભરતી માટે ગુજરાત હાઇ કોર્ટની જાહેરાત…
25 ઝૂંપડા સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુલ 75 ઝૂંપડાઓમાંથી, લગભગ 50 ઝૂંપડાઓને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બાકીના 25 ઝૂંપડા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.