ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેવા અમદાવાદ આવેલા સંગીતકાર અનુ મલિકે શું કહ્યું?

અમદાવાદઃ શહેરમાં આજે સાંજે ફિલ્મફેર એવોર્ડ યોજાશે. જેમાં ભાગ લેવા અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી ગયા છે. જાણીતા સંગીતકાર અનુ મલિકે અમદાવાદ પહોંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યના લોકો, સંસ્કૃતિ અને ખાણી-પીણી પ્રત્યે પોતાનો ખાસ લગાવ વ્યક્ત કરતાં કહ્યું કે, મને ખૂબ જ સારું લાગી રહ્યું છે.
હું અવારનવાર ગુજરાત આવું છું સુરત, અંકલેશ્વર, પોરબંદર કે વડોદરા, જ્યારે પણ તક મળે ત્યારે ચોક્કસ આવું છું. મને અમદાવાદનું ભોજન ખૂબ પસંદ છે. બાળપણથી જ ગુજરાતી સંસ્કૃતિ અને લોકો પ્રત્યે એક પોતીકાપણું મહેસૂસ થાય છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોલેજના દિવસોથી જ ગુજરાતી મિત્રો અને સંસ્કૃતિ સાથે તેનું જોડાણ રહ્યું છે. અનુ મલિકે કહ્યું, અમે મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરતા હતા, જ્યાં મારા ઘણા ગુજરાતી મિત્રો હતા. અમે નવરાત્રી દરમિયાન કર્ણાવતી ક્લબમાં પર્ફોર્મ કરવા પણ આવતા હતા. અમદાવાદ સાથે મારો ઊંડો સંબંધ છે.
ફિલ્મફેરના આયોજન અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું, આ ભવ્ય કાર્યક્રમ માટે હું ફિલ્મફેર એવોર્ડ્સના આયોજકોનો આભારી છું. આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સનું શાહરૂખ ખાન, મનીષ પોલ અને કરણ જોહર સાથે મળીને સહ-હોસ્ટિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ગુજરાત પ્રવાસન નિગમ અને વર્લ્ડવાઇડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે કરાર થયા હતા, જે અંતર્ગત ગુજરાતે ૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સની યજમાની કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ફિલ્મફેરની પ્રતિષ્ઠિત બ્લેક લેડી ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.