તહેવારો છે ‘લાઈફ સેવર’! તણાવમાંથી બહાર આવવા માટે ઉત્સવો છે રામબાણ ઇલાજ: સર્વેમાં ખુલાસો

અમદાવાદ: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તહેવારોની મોસમમાં લોકો હતાશામાં સરી પડે છે અને આત્મહત્યાના દરો વધે છે, પરંતુ ગુજરાતના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક સર્વેમાં આ માન્યતા ખોટી સાબિત થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થિની ગડારા બંસી, બેડીયા નેહા, દેસાઈ ઉન્નતી અને હર્ષા ગોંડલિયા દ્વારા ૧૨૬૨ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ૫૦થી વધુ વ્યક્તિઓએ આત્મહત્યાના વિચારો કર્યા હોય અથવા પ્રયાસ કર્યો હોય તેમનો સમાવેશ કરાયો હતો.
સર્વેના તારણો મુજબ, તહેવારો દરમિયાન આત્મહત્યાના દરોમાં વધારો થવાને બદલે ઘટાડો જોવા મળે છે. આ ઘટાડા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે.
સામાજિક સમર્થન અને એકલતામાં ઘટાડો
સર્વે મુજબ, તહેવારોમાં પરિવાર, મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે પુનઃમિલન થવાથી વ્યક્તિની એકલતાની લાગણી ૮૦% ઘટે છે અને સામાજિક સમર્થનનું નેટવર્ક મજબૂત બને છે. સામુદાયિક આયોજનોમાં ભાગ લેવાથી ૫૦% લોકોમાં સુરક્ષા અને સંબંધની ભાવના વધે છે. ૫૫% લોકોએ સ્વીકાર્યું કે પરિવારજનો વધુ સમય સાથે હોવાથી, હતાશ વ્યક્તિ પર અન્યની નજર રહે છે, જેનાથી આત્મહત્યાનો પ્રયાસ કરવો શારીરિક રીતે મુશ્કેલ બને છે અને મદદ મળવાની શક્યતા વધી જાય છે.
સકારાત્મકતા અને આશાવાદ
તહેવારો દરમિયાન મળતો પ્રેમ, કાળજી અને હૂંફ ૬૩% લોકોને હતાશામાંથી બહાર આવવામાં મદદ કરે છે. ૯૦% લોકોએ જણાવ્યું કે તહેવારોની તૈયારીઓ, ખરીદી અને ઉજવણીઓમાં વ્યસ્ત રહેવાથી તેમનું ધ્યાન નકારાત્મક વિચારો અને સમસ્યાઓમાંથી હટી જાય છે. ૭૨% લોકોએ કહ્યું કે નવા વર્ષ જેવા પ્રસંગો ‘બધું સારું થઈ જશે’ અથવા ‘હવે એક નવી શરૂઆત થશે’ જેવી આશાવાદની ભાવના પેદા કરે છે.
અન્ય મહત્વના કારણો
૪૫% લોકોએ કહ્યું કે તહેવારોનું સકારાત્મક વાતાવરણ મૂડ પર હકારાત્મક અસર કરે છે. ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા તહેવારો પૂજા-પ્રાર્થના દ્વારા આંતરિક શાંતિ આપે છે અને જીવનના મૂલ્ય પ્રત્યેની આસ્થા ૪૫% લોકોમાં વધારે છે. ૨૭.૨૦% લોકોએ જણાવ્યું કે કેટલીકવાર વ્યક્તિ તહેવારો પૂર્ણ ન થાય ત્યાં સુધી આત્મહત્યા જેવા દુઃખદાયક નિર્ણયને મુલતવી રાખે છે, કારણ કે તેઓ ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માંગતા નથી. આ તારણો સ્પષ્ટપણે દર્શાવે છે કે તહેવારો માનસિક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે, તણાવ ઘટાડે છે, આત્મસન્માન વધારે છે અને જીવન પ્રત્યેની આશાવાદની ભાવનાને જાગૃત કરે છે.



