અમદાવાદ સિવિલમાં 161 મું અંગદાન : 24 વર્ષીય દીકરીના બ્રેઇનડેડ બાદ પિતાએ કર્યું અંગોનું દાન….
અમદાવાદ સિવિલમાં 161 મું અંગદાન : 24 વર્ષીય દીકરીના બ્રેઇનડેડ બાદ પિતાએ કર્યું અંગોનું દાન…. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161 મું અંગદાન થયું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની ૨૪ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા 19 ઓગષ્ટના રોજ સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઇકાલે 21 ઓગષ્ટના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ જાહેર કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીનલને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે સિવિલ હોસ્પિટલ આવી જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા હતા. સાથે જ તેમના સબંધીઓએ પણ અંગદાન અંગે સમજાવ્યા હતા. ત્યારબાદ જગદીશભાઇએ પોતાની વ્હાલસોઈ દીકરીનું દીકરી અંગદાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: “ડોકટરોની ટીમે હાથ જોડ્યા પરિવારે કલમા પઢયાં” અને અમદાવાદ સિવિલને મળ્યું 160મુ અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , જીનલના અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવ્યું.
સાથે જ મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે. આમ આ અંગદાનથી કુલ ત્રણ થી ચાર લોકોની જીંદગી આપણે બચાવવામા સફળતા મળશે. તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ.
આ પણ વાંચો: અંગદાનમાં અગ્રેસર ગુજરાત: “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને છ એવોર્ડ
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો તેમજ પાંચ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી 504 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.