બારડોલીમાં મધમાખીઓના હુમલાથી પતિનું મોત, પત્ની ગંભીર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ બારડોલીના મહુવા તાલુકાના વાઘેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતા એક દંપતી પર અચાનક મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ કરૂણ ઘટનામાં પતિનું મોત થયું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
મળતી માહિતી અનુસાર 45 વર્ષીય જીતુભાઈ સુમનભાઈ પટેલ અને તેમના પત્ની મીનાબેન પશુપાલન અને ખેતીનું કામ કરી રહ્યા હતા. તેઓ તેમના ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતા. આ સમયે અચાનક મધમાખીના ટોળાએ હુમલો કર્યો હતો.
દંપતી કંઈ કરે તે પહેલા જ મધમાખીએ ચટકા ભરવાનું શરૂ કરી દીધું હતું. બન્નેએ ચીસાચીસ કરી મૂકી હતી અને જીતુભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. તેમનાં પત્ની મીનાબહેન થોડા ભાનમાં હતા.
ત્યારબાદ આસપાસના લોકો આવ્યા હતા અને તેમણે ઈમરજન્સી સેવાઓની મદદથી તેમને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જીતુભાઈને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. ગભરામણ અને વધારે પડતા ઝેર ચડી જવાને લીધે તેમનું મૃત્યુ થયું હતું. મનાબહેનને ખારેલ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી જ્યારે મહુવા પોલીસે અકસ્માતનો કેસ રજિસ્ટર કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.



