ફેમિલી પ્લાનિંગઃ ગુજરાતમાં 1000 મહિલાએ માત્ર આટલા પુરુષ જ કરાવે છે નસબંધી

અમદાવાદઃ આજના સમયમાં નસબંધી પુરુષો અને મહિલાઓ માટે મહત્ત્વનો વિકલ્પ છે. ગુજરાતમાં મોટાભાગના પરિવારોમાં કુટુંબ નિયોજનની જવાબદારી હજુ માત્ર સ્ત્રીઓ પર જ છે. ગુજરાતમાં પ્રતિ 1000 મહિલાએ માત્ર 1 પુરુષ જ નસબંધી કરાવે છે. એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
નસબંધી અંગે સરકાર દ્વારા અનેક પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવતી હોવા છતાં ધારી સફળતા મળી નથી. ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 1.33 લાખ મહિલાએ નસબંધી કરાવી હતી. જ્યારે માત્ર 1120 પુરુષોએ નોન સર્જિકલ વાસ્કેટોમી માટે આગળ આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં સરેરાશ 3 લાખથી વધુ મહિલા નસબંધી કરાવે છે.
પુરુષો કેમ નથી કરાવતાં નસબંધી
નસબંધી અંગે પુરુષોમાં અલગ પ્રકારની માન્યતા હોવાના કારણે તેઓ દૂર ભાગી રહ્યા છે. મોટાભાગના પુરુષોને નસબંધીથી પુરુષત્વમાં ઘટાડો થવાનો ડર લાગતો હોવાથી મહિલાઓને નસબંધી માટે ફરજ પાડવામાં આવે છે. વસતી નિયંત્રણ માટે થતા કેમ્પો માટે સરકાર પુરુષો અને મહિલાઓને નસબંધી કરાવવા માટે સહાય પણ આપે છે. આ ઉપરાંત અનેક પુરુષોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે નસબંધી બાદ તેમના જાતિય જીવન પર અસર પડશે. પરંતુ આ માન્યતા સાવ ખોટી છે.
એક્સપર્ટ શું કહે છે
નિષ્ણાતના જણાવ્યા મુજબ, નસબંધીની પ્રક્રિયામાં ઇરેક્શન માટે જવાબદાર નસને ન તો સ્પર્શ કરવામાં આવે છે કે ન તો કાપવામાં આવે છે. વીર્ય બનવાનું ચાલુ રહે છે અને તેને વહન કરતી નળી પણ સુરક્ષિત રહે છે. તેનાથી સેક્સ અને જાતીય પ્રવૃત્તિની ઇચ્છામાં કોઈ ફર્ક પડતો નથી.
આ પણ વાંચો…અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે એર ટેક્સી, જાણો શું છે ખાસિયત
નેશનલ રૂરલ હેલ્થ મિશનના રિપોર્ટ અનુસાર, નસબંધી બાદ અંડકોષમાંથી સ્પર્મ બનવાનું ચાલુ રહે છે. નસબંધી પછી તેમાં જે શુક્રાણુ કોષો બને છે તે વીર્ય સાથે ભળતા નથી પરંતુ ટ્યુબ કપાવાના કારણે તે તમારા શરીરમાં જ ભળી જાય છે.
ગુજરાતમાં મહિલા અને પુરુષ દ્વારા કરાતી નસબંધીનું પ્રમાણ
વર્ષ મહિલા પુરુષ
2020-21 2.30 લાખ 60 હજાર
2021-22 2.70 લાખ 70 હજાર
2022-23 3.10 લાખ 1000
2023-24 3.10 લાખ 900
2024-25 1.30 લાખ 1100