અમદાવાદ

નકલખોરોથી સાવધાન: મહેસાણાના PSI બની અમદાવાદ પોલીસને આદેશ આપનાર ગઠિયા સામે કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી બનીને અસલી પોલીસને આદેશ આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મહેસાણાના પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને અમદાવાદ પોલીસને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા શખસ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર આરોપીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ ડેસ્ક પર ફોન કરીને પોતાનો પરિચય ‘પીએસઆઈ રાઠોડ, મહેસાણા’ તરીકે આપ્યો હતો. તેણે મેમનગર ફાયર સ્ટેશન પાસે એક ગુનેગાર છુપાયો હોવાનો દાવો કરી તાત્કાલિક ત્યાં પીસીઆર વાહન મોકલવાનો હુકમ કર્યો હતો.

આપણ વાચો: ગુજરાત યુનિવર્સિટી પર ભ્રષ્ટાચારનો આરોપ! કરોડોની પ્રોપર્ટી ટેન્ડર વિના ખાનગી સંસ્થાનો આપી દીધી

શરૂઆતમાં સાચો આદેશ માની પોલીસે વાહન મોકલી આપ્યું હતું, પરંતુ ત્યાર બાદ ફોન કરનારની વાતચીતની પદ્ધતિ પર શંકા જતાં મહેસાણા પોલીસમાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખુલાસો થયો કે મહેસાણામાં આ નામ કે નંબર ધરાવતા કોઈ પીએસઆઈ ફરજ બજાવતા નથી. આ રીતે અજાણ્યા શખસે નકલી અધિકારી બની પોલીસ તંત્રને ગુમરાહ કર્યું હોવાનું સાબિત થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. હાલમાં પોલીસ જે-તે મોબાઈલ નંબરના આધારે આરોપીને ટ્રેસ કરી તેને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button