અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી પકડાયા નકલી કુલી, આ રીતે કરતા હતા છેતરપિંડી

અમદાવાદઃ રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી કુલી ઝડપાયા હતા. નકલી કુલી અસલી કુલીનો વેશ ધારણ કરીને મુસાફરો પાસે સામાન ઉપાડવા માટે આવતા અને ભીડમાં ક્યાંક ગાયબ થઈ જતા હતા. આ અંગે પોલીસને મળેલી ફરિયાદ બાદ વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે મુખ્ય રેલવે સ્ટેશન પર લાયસન્સ ધરાવતા પોર્ટર (કુલી) તરીકે ડોળ કરતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

આ નવા કૌભાંડથી સ્ટેશન પરના મુસાફરો અને સત્તાવાર પોર્ટર (કુલી) તરીકે કામ કરતાં સમુદાયમાં ચિંતા ફેલાઈ હતી. કુલી એસોસિએશનના પ્રમુખના કહેવા પ્રમાણે, તેમણે તાજેતરમાં કેટલાક ચોરોને પોર્ટર તરીકે ડોળ કરીને સામાનની ચોરી કરતા જોયા હતા. આનાથી માત્ર મુસાફરોને જ નુકસાન નથી થતું પરંતુ અમારી છબી ખરડાઈ હતી. અમે અમારા સભ્યો સાથે એક બેઠક યોજી હતી અને તેમને સતર્ક રહેવાની સૂચના આપી હતી.

રેલવે પોલીસના અધિકારીઓએ પણ આવી ઘટનાઓ અંગે અનેક ફરિયાદો મળ્યાની પુષ્ટિ કરી હતી.. અધિકારીના કહેવા પ્રમાણે, અમે મુસાફરોને તેઓ તેમનો સામાન સોંપતા પહેલા હંમેશા પોર્ટરના ઓળખ બેજ (બિલ્લા) નંબરની તપાસ કરવાની સલાહ આપીએ છીએ. અસલી કુલીઓએ તેમના બેજ સ્પષ્ટપણે દર્શાવવાના હોય છે, અને જો કોઈ તેને બતાવવાનો ઇનકાર કરે છે, તો તે એક રેડ અલર્ટ છે. વધતી સમસ્યાને રોકવા માટે, આરપીએફે સ્ટેશન પર, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. તેઓ કુલી એસોસિએશન સાથે પણ ગાઢ રીતે કામ કરી રહ્યા છે.

આપણ વાંચો:  અમદાવાદમાં ભારતીય પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

આવી હતી મોડસ ઓપરેન્ડી

આરપીએફ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચેય વ્યક્તિઓ વર્તમાન કુલીઓના નજીકના પરિચિતો છે અને લાયસન્સ ધરાવતા પોર્ટરોની કાર્યશૈલીનું અવલોકન કરીને અનૌપચારિક રીતે તાલીમ લીધી હતી. તેઓએ કબૂલ્યું કે તેઓએ બેરોજગારીને કારણે આ અનધિકૃત કામ શરૂ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાલુપુર રેલવે સ્ટેશન પર લાયસન્સ ધરાવતાં પોર્ટરોના પુત્રો તેમના પિતાના બિલ્લાનો ઉપયોગ બિનસત્તાવાર રીતે કામ કરવા માટે કરે છે. રેલવેના નિયમો મુજબ આ ગેરકાયદે છે. અમે મુસાફરોને તેઓ હંમેશા પોર્ટરના બિલ્લાને ક્રોસ-ચેક કરે અને પછી જ તેમનો સામાન સોંપે તેવી સલાહ આપીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button