અમદાવાદમાંથી નકલી હૉસ્પિટલ ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદઃ નાના ચિલોડામાંથી નકલી ડૉક્ટરે શરૂ કરેલી નકલી હૉસ્પિટલ ઝડપાઈ હતી. થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર નામની એક નકલી હૉસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. આ હૉસ્પિટલ સરકારી ચોપડે નોંધાયેલી ન હતી અને તેમાં ડિગ્રી વગરના ડૉક્ટરો દર્દીઓની સારવાર કરતા હતા. હૉસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલને પોલીસે દબોચી લીધો હતો. વીમા કંપનીએ તપાસ કરતાં હૉસ્પિટલની પોલ ખુલી હતી. દર્દીઓને ખોટી રીતે દાખલ કરી મેડિક્લેઈમ મંજૂર કરાવવામાં આવતા હતા.
વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરવા માટે બોગસ સહી સિક્કા અને લેટરપેડ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે હૉસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે દાખલ કરીને મેડિક્લેઈમના નામે છેતરપિંડી કરતા હતા. તેઓ વીમા કંપનીઓને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ક્લેઈમ પાસ કરાવતા હતા. વીમા કંપનીઓને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં આ નકલી હૉસ્પિટલનો પર્દાફાશ થયો હતો. પોલીસે હૉસ્પિટલમાંથી ખોટા પેપર, સિક્કા, ખોટા રિપોર્ટ અને સી ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ હૉસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કેટલા દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…AMC ના કોર્પોરેટરને ત્રીજું સંતાન જન્મતા છોડવું પડશે પદ, જાણો વિગત…
કેવી રીતે થયો પર્દાફાશ
નવરંગપુરામાં રહેતા ડૉ. શ્રીનિવાસ નરસૈયા જનારામ એચડીએફસી અર્ગો ઈન્શ્યુરન્સ કંપનીમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમની કંપનીમાં 20 માર્ચે એક મેડિક્લેઈમ પોલિસી રમેશ પટેલના નામથી આવી હતી. જેમાં તેમની પત્ની સુમિત્રાબેને થ્રી સ્ટાર હૉસ્પિટલ, આઈસીયુ એન્ડ ટ્રોમાં સેન્ટરમાં ડૉ. મેહુલ સુતરિયા પાસે સારવાર લીધી હોવાનું જણાવ્યું હતું. આ અંગે કંપનીએ તપાસ કરતાં ડૉ.મેહુલ સુતરિયા નામના કોઈ વ્યક્તિ મળ્યા નહોતા. શંકા જતા કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ડૉ. મેહુલ સુતરિયાના રજિસ્ટ્રેશન અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને વિગતો માંગી હતી. જેમાં ડૉ. મેહુલ સુતરિયાએ જે રજિસ્ટ્રેશન નંબર આપ્યો હતો તે નંબર ડૉ. ભૂપત મકવાણાના નામનો હતો.