નવરાત્રી મેળામાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા: ST નિગમ ચલાવશે ૧૨૦ એક્સ્ટ્રા બસો. | મુંબઈ સમાચાર
અમદાવાદ

નવરાત્રી મેળામાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા: ST નિગમ ચલાવશે ૧૨૦ એક્સ્ટ્રા બસો.

અમદાવાદઃ પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે. એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.

ગત વર્ષે નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રી મેળામાં ૫૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ૭ લાખ અને માતાના મઢ ખાતે ૬૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ૬૩ હજાર દર્શનાર્થીઓએ મેળાનો લાભ લીધો હતો. જ્યારે ચાલુ વર્ષ -૨૦૨૫માં પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુઘી નિગમ દ્વારા દૈનિક ૫૫ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત ૭.૫ લાખ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી માતાના મઢ સુધી ૬૫ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત ૭૦ હજાર મળીને કુલ આશરે ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે આસો નવરાત્રી મેળો તા.૨૨ સપ્ટેમ્બરથી તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૫ સુધી જ્યારે માતાનો મઢ-કચ્છ ખાતે તા.૧૮ સપ્ટેમ્બર થી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. આ મેળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા ૨૪*૭ કલાકે બસોનું સંચાલન કરવામાં આવશે.

આપણ વાંચો:  ગિરનારના અંબાજી મંદિરના મહંત પદ માટે ખેંચતાણ, 18 લોકોએ અરજી કરી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button