ગુજરાતનું સુશાસન મોડલઃ 4 વર્ષમાં 4 કલેક્ટર ભ્રષ્ટાચાર બદલ સસ્પેન્ડ, જાણો ચારેયનાં નામ

અમદાવાદ: હાલ સુરેન્દ્રનગરમાં ઉચ્ચ અધિકારીઓ પર કરવામાં આવેલી ED કાર્યવાહીની ચોમેર ચર્ચા થઈ રહી છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જમીન NA કરવા 10 કરોડથી વધુની લાંચ લીધાના આરોપમાં તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની 2જી જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હવે તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી અને રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જો કે આ કાર્યવાહી કઇ પ્રથમ વખત થઈ હોય તેવું નથી, આ પૂર્વે પણ અનેક ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે.
આ પૂર્વે વર્ષ 2024માં સુરતના ડુમસમાં સરકારી જમીન ખોટી રીતે કોઈ અન્ય ખાનગી વ્યક્તિના નામે ચડાવીને આશરે 2000 કરોડ રૂપિયાનું જમીન આચરવાના મામલે વલસાડના કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. IAS અધિકારી આયુષ ઓક (Ayush Oak)જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે આ જમીન વેચીને રાજ્યના મહેસુલ વિભાગને નુકસાન પહોંચાડવા બદલ રાજ્ય સરકાર દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી હતી.
વર્ષ 2023માં આણંદ જિલ્લામાં કલેકટર તરીકે અગાઉ ફરજ બજાવતા ડી.એસ. ગઢવી સામે તત્કાલીન અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસ અને ચિટનીસ તથા તેના મળતિયા દ્વારા કલેકટર ઓફિસની એન્ટિ ચેમ્બરમાં તેમની જાણ બહાર એક મહિલા સાથેનો કઢંગી હાલતમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો કે જયારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબતે આણંદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જેના ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
તે ઉપરાંત વર્ષ 2022માં સુરતના પૂર્વ કલેક્ટર કે. રાજેશની સામે પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી, તેમની હથિયાર લાયસન્સ અને જમીન કૌભાંડ મામલે CBIએ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2019માં ડો. ગૌરવ દહિયા પર અંગત જીવનમાં છેતરપિંડી અને નૈતિક અધ:પતનના આરોપો લાગ્યા હતા અને બાદમાં તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે સિવાય વર્ષ 2018માં વી. જે. રાજપૂત જુનાગઢના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે ટેન્ડર ગેરરીતિના કેસમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી અને તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



