Top Newsઅમદાવાદ

ગુજરાતમાં દર બે મિનિટે ફાટે છે 29 ઓનલાઈન મેમો, એક જ વર્ષમાં ચલણની સંખ્યા થઈ બમણી

રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં ઓનલાઈન ચલણનો આંકડો એક કરોડને પાર થઈ શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં ઘણા લોકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસ ડિજિટલ રીત અપવનાવી રહી છે. રાજ્યમાં દર બે મિનિટે 29 ઓનલાઈન ટ્રાફિક ચલણ ઈશ્યૂ કરવામાં આવે છે. પરિવહન પોર્ટલ પર એક જ વર્ષમાં ચલણી સંખ્યા બમાણી થઈ છે. આ આંકડો માત્ર વધતા જતા ટ્રાફિક ઉલ્લંઘનો જ નહીં, પરંતુ ટેકનોલોજી આધારિત પોલીસિંગના ઝડપી વિસ્તારને પણ દર્શાવે છે.

જાન્યુઆરીમાં જ 6.89 લાખ ઓનલાઈન ચલણ ફાડવામાં આવ્યા

મળતી વિગત પ્રમાણે, માત્ર જાન્યુઆરી મહિનામાં જ 6.89 લાખ ઓનલાઈન ચલણ ફાડવામાં આવ્યા હતા. દૈનિક 22,239 ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો 2025ની દૈનિક સરેરાશ 20,948 કરતા ઘણો વધારે છે. આ ઉપરાંત 2024ની સરેરાશ 10,656 કરતાં તો લગભગ બમણો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં રાષ્ટ્રીય પરિવહન પોર્ટલનો સંપૂર્ણ અમલ થવાથી ડેટાનું સેન્ટ્રલાઈઝેશન થયું છે. જેના કારણે મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડામાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર વસૂલવામાં આવતાં દંડનો સમાવેશ થતો નથી. તેથી વાસ્તવિક દંડની રકમ આ આંકડાઓ કરતા પણ ઘણી મોટી છે.

ટ્રાફિક પોલીસ હવે ઇલેક્ટ્રોનિક અમલીકરણ તરફ વળી

સૂત્રોના કહેવા પ્રમાણે, RTO અને ટ્રાફિક પોલીસ હવે ઇલેક્ટ્રોનિક અમલીકરણ તરફ વળી છે. CCTV કેમેરા, સ્પીડ ગન અને હેન્ડહેલ્ડ ડિવાઇસ દ્વારા હવે રિયલ ટાઇમમાં ઉલ્લંઘન પકડવામાં આવે છે, જેનાથી મેન્યુઅલ ચેકિંગ પર નિર્ભરતા ઘટી છે. કોમર્શિયલ વાહનોમાં ઓવરલોડિંગ સૌથી સામાન્ય ગુનો છે, ત્યારબાદ ઓવરસ્પીડિંગનો નંબર આવે છે.

કેટલો દંડ ચૂકવ્યો

આ પરિવર્તનની અસર શહેરી વિસ્તારોમાં સ્પષ્ટ દેખાય છે. એકલા અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 40.2 લાખ સ્થળ પરના ચલણ ફાડવામાં આવ્યા હતા, જેમાં વાહનચાલકોએ ₹262.6 કરોડનો દંડ ચૂકવ્યો હતો. હેલ્મેટ વગર વાહન ચલાવવામાં સૌથી વધુ ₹134.4 કરોડનો દંડ વસૂલાયો હતો, ત્યારબાદ રોંગ સાઈડ ડ્રાઇવિંગ (₹36.3 કરોડ) અને ગેરકાયદે પાર્કિંગ (₹34.7 કરોડ) આવે છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 2024ની સરખામણીમાં 2025માં પરિવહન વેબસાઇટ પર નોંધાયેલા ચલણોની સંખ્યામાં લગભગ 96 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023માં આ સંખ્યા માત્ર 12.16 લાખ હતી, જે 2025માં વધીને 76.46 લાખ થઈ ગઈ છે – જે દર્શાવે છે કે ડિજિટલ પોલીસિંગ કેટલી ઝડપથી વિસ્તરી રહ્યું છે.

રાજ્યમાં આ વર્ષે ઓનલાઈન ચલણનો આંકડો એક કરોડને પાર થઈ શકે

આ વ્યવસ્થા હવે માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી. નાના નગરોમાંથી પસાર થતા હાઈવે પણ હવે CCTV સર્વેલન્સ હેઠળ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવા મહાનગરોમાં કેમેરા લગાવેલા છે, જે 24 કલાક મોનિટરિંગ કરે છે. સૂત્રો મુજબ, વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક જામને કારણે ચલણની સંખ્યા હજુ વધશે. જો જાન્યુઆરીની આ જ ગતિ ચાલુ રહેશે, તો ગુજરાત આ વર્ષે 1 કરોડ ઓનલાઈન ચલણનો આંકડો પાર કરી શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button