અમદાવાદમાં 54 સ્થળોએ નવા ચાર્જિંગ સ્ટેશન બનશે,બેટરી સ્વેપિંગ મશીન પણ લગાવાશે

અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન ઈલેક્ટ્રિક વાહનોની (EVs) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન (charging stations) પણ હવે મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. હાલ PPP મોડલ પર 12 જેટલા લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. ત્યારે હવે મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 16 સ્થળે ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્વેપિંગ સ્ટેશન લગાવવામાં આવશે.
આ પણ વાંચો: આવી ગઇ દેશની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, ભારત ઈલેક્ટ્રિક વાહનો બનાવશે
કેવા કલરના બનાવાશે ચાર્જિંગ સ્ટેશન
અમદાવાદ મનપા દ્વારા PPP ધોરણે નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, જે અંતર્ગત ચાંદખેડા, નવા વાડજ, વેજલપુર, ઉસમાનપુરા, સોલા, ઘાટલોડિયા, વિરાટનગર સહિતના વિસ્તારમાં EV ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. શહેર મનપા દ્વારા ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટેનું ટેન્ડર જાહેર કરાયું હતું. 27 સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે બે કંપની તૈયાર થઈ છે. અદાણી 24 સ્થળે જ્યારે ઈવેમ્પ ત્રણ સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવશે. ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક સ્થળોએ બેટરી બદલવાની પણ સુવિધા હશે, જેથી કોઈપણ વ્યક્તિને પોતાની ગાડીની બેટરી બદલવી હોય તો તે બેટરી પણ બદલાવી શકશે. તમામ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવાના રહેશે.
કયા ઝોનમાં કેટલા ચાર્જિંગ સ્ટેશન બનશે
શહેર મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનમાં 16, દ.પશ્ચિમ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 6, ઉ.પશ્ચિમ ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 3 સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે કંપની ચાર્જિંગ સ્ટેશન બનાવશે, તેણે મનપાને જગ્યા પેટે વાર્ષિક 5 ટકા જંત્રી લેખે જમીનનું ભાડું ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત શહેર મનપા સાથે રેવન્યૂ શેરિંગ કરવામાં આવશે. જેમાં પ્રતિ યુનિટ પ્રમાણે રેવન્યુ શેરિંગ કરવામાં આવશે. હાલમાં જે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે ત્યાંથી કોર્પોરેશનને એક યુનિટ દીઠ રૂ. 3.51 મળે છે.