અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ: વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેના પર 19મી જૂનમાં મતદાન અને 23 જૂનના મતગણતરી હાથ ધરાશે. બંને બેઠકો પર છેલ્લા ઘણા સમયથી પેટા ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કડી બેઠક પર ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનને કારણે ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાંથી આ બેઠક ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું હતુ અને ત્યારબાદ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી પરંતુ વિસાવદર માટે કોર્ટ કેસ પેન્ડિંગ હોવાને કારણે ત્યાં ચૂંટણી થઈ શકી ન હતી.

પેટાચૂંટણીનો કાર્યક્રમ

ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: ૨૬મી મે, ૨૦૨૫ (સોમવાર)
ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ: ૨જી જૂન, ૨૦૨૫ (સોમવાર)
ઉમેદવારીની ચકાસણીની તારીખ: ૩જી જૂન, ૨૦૨૫ (મંગળવાર)
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૫મી જૂન, ૨૦૨૫ (ગુરુવાર)
મતદાનની તારીખ: ૧૯મી જૂન, ૨૦૨૫ (ગુરુવાર)
મતગણતરીની તારીખ: ૨૩મી જૂન, ૨૦૨૫ (સોમવાર)
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ: ૨૫મી જૂન, ૨૦૨૫ (બુધવાર)

આ પેટાચૂંટણીઓ રાજકીય વાતાવરણને ફરી ગરમાવશે

આ પેટાચૂંટણીઓ ગુજરાતના રાજકીય વાતાવરણને ફરી ગરમાવશે, કારણ કે બંને બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ઉમેદવારી પત્રો ભરવાથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ પર રાજકીય નિરીક્ષકો અને સામાન્ય જનતાની નજર રહેશે. આ બેઠક પર ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને આ બેઠક પરના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ બેઠક પર કોંગ્રેસે પણ એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી તેમજ શંકરસિંહ વાઘેલાએ પણ આ બેઠક પર ઝંપલવાની જાહેરાત કરી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન; CM ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની બેઠકમાં સફળતા વર્ણવી

પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત

ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની બે બેઠકો ઉપરાંત કેરળની નિલામ્બુર બેઠક, પંજાબની લુધિયાણા પશ્ચિમ તેમજ પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button