જૂનાગઢ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી

અમદાવાદ: સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ૧૨ રબ્બીઉલની યાદમાં ઉજવાય છે. આ પર્વ નિમિત્તે વિવિધ શહેરોમાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ભાવનગર શહેરમાં, પીર મહંમદશાહ બાપુની વાડી, ચાવડીગેટ ખાતેથી એક શાનદાર ઝુલુસનું પ્રસ્થાન થયું. આ યાત્રા ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબાચોક, જુમ્મા મસ્જીદ, હેરીસ રોડ, વોરા બજાર, બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ, રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ, વડવા વોશીંગઘાટ, અને દરબારી કોઠાર જેવા વિસ્તારોમાંથી પસાર થઈને બપોરે શેલારશા ચોકમાં પૂર્ણ થઈ હતી.

આ ઉપરાંત, જૂનાગઢમાં સોરઠ દરગાહથી પણ એક ઝુલુસ નીકળ્યું હતું જે નરસિંહ મહેતાના ચોરા, જેલ રોડ, ચિત્તાખાના ચોક થઈને સુખનાથ ચોકમાં સંપન્ન થયું હતું. તેવી જ રીતે, રાજકોટમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદ-ઉલ-નબીનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં સમાજના અનેક લોકોએ ભાગ લીધો હતો. આ તમામ ઝુલુસમાં લોકોએ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.