ગુજરાતમાં દ્વારકા-કાનાલૂસ રેલ લાઈનનું ડબલિંગ, કેન્દ્રએ આપી મંજૂરી

અમદાવાદઃ કેન્દ્ર સરકારે બુધવારે ગુજરાતમાં દ્વારકા-કનાલુસ રેલ લાઇનને ડબલ કરવાના કામને મંજૂરી આપી હતી. રેલવે તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં કુલ રૂ. 2,781 કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં દેવભૂમિ દ્વારકા (ઓખા)-કનાલુસ રેલ લાઇન યાત્રાધામ દ્વારકાધીશ મંદિર સાથેની કનેક્ટિવિટી સુધારશે, અને આ સાતે કોલસો, મીઠું, કન્ટેનર અને સિમેન્ટ જેવી ચીજવસ્તુઓના પરિવહનમાં મદદ મળશે.
આપણ વાચો: વડાપ્રધાન મોદીએ ભુવનેશ્વર-ઓડીસા માટે લોન્ચ કરી ‘સુભદ્રા’ યોજના-જાણો,આથી કોને ફાયદો ?
તેમના ફાયદાઓની રૂપરેખા આપતા, સરકારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના ચાર જિલ્લાઓને આવરી લેતા બે પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિલોમીટરનો વધારો કરશે. તેમજ, મંજૂર થયેલ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ લગભગ 32 લાખ વસ્તી ધરાવતા લગભગ 585 ગામડાઓ સાથે કનેક્ટિવિટી વધારશે.
આ પ્રોજેક્ટ્સનું આયોજન પીએમ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે, તેમ વૈષ્ણવે જણાવ્યું હતું.
કાનાલુસથી ઓખા (દેવભૂમિ દ્વારકા) સુધી મંજૂર થયેલ ડબલિંગ દ્વારકાધીશ મંદિરને મુખ્ય યાત્રાધામો સુધી પહોંચવાની સુવિધા આપશે અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે, તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું.



