અમદાવાદ: રાજ્યમાં આવેલી ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આવી શાળાઓની તપાસ કરવા માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપ્યો છે અને તપાસ દરમિયાન જો આવી શાળાઓ મળી આવે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આથી હવે આગામી દિવસોમાં આવી ડમી શાળાઓ સામે કડક પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો : Exclusive Video: અમરેલી ‘લેટર કાંડ’ મુદ્દે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે મુંબઈ સમાચાર પર કર્યો મોટો ઘટસ્ફોટ
ડમી શાળાઓ સામે તપાસના આદેશ
પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળાઓ સામે તપાસ કરવા આદેશ કર્યો છે. મોટાભાગે ધો.10 નો અભ્યાસ પૂર્ણ કરીને વિધાર્થીઓ કોચિંગ ક્લાસમાં જોડાય જતા હોય છે. વળી આ દરમિયાન તેમનું નામ ડમી વિધાર્થી તરીકે શાળાઓમાં ચાલતું હોય છે, આવી ફરિયાદ ખુદ શિક્ષણ બોર્ડમાં એક બોર્ડના પૂર્વ સભ્યએ કરી છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે આ તપાસનો આદેશ આપ્યો છે.
ધોરણ 10ની પરીક્ષા બાદ સીધા કોંચિગ
શિક્ષણ બોર્ડે પાઠવેલા પરિપત્રમાં જણાવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી IIT, IIM, મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ સીધા જ કોંચિગ ક્લાસીસમાં જ પ્રવેશ લઈ લેતા હોય છે. જો કે બીજી તરફ આવા વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થી બનીને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ પર જ પ્રવેશ મેળવે છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતમાંથી દોડશે 3 વન વે સ્પેશિયલ ટ્રેન…
શાળાઓ તોતિંગ ફી વસૂલે
ડમી વિદ્યાર્થી તરીકે પોતાનું નામ ચાલુ રાખવા માટે શાળાઓ તોતિંગ ફી પણ વસૂલ કરતી હોય છે. આવી ડમી સ્કૂલોમાં શિક્ષકો કાગળો પર જ હોય છે. સૂત્રોનું કહેવું છે કે ગમે તેમ પહોંચ કરીને આ ડમી સ્કૂલના સંચાલકો ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર પણ પોતાની શાળામાં મંજૂર કરાવી, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવાય છે. આમ ગુજરાતના શિક્ષણને લાંબા ગાળાનું નુકસાન થતું હોય તેની તપાસ માટે શિક્ષણ બોર્ડે આદેશ આપ્યા છે.