નવરાત્રિને કારણે આ રોડ પર રાત્રે વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ | મુંબઈ સમાચાર
અમદાવાદ

નવરાત્રિને કારણે આ રોડ પર રાત્રે વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ વરસાદને લઈ બંને વર્ગ ચિંતામાં છે. અમદાવાદ, સુરત અને વડોદરા વગેરે શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી સુરક્ષા અને ટ્રાફિકના અનેક સવાલો ઊભા થાય છે. અમદાવાદમાં ખાસ એસજી હાઈ-વે પર જામ રહેતો હોય છે, તેથી અહીંયા રાતના બે વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવરમાં રોક લગાવી છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એસજી હાઈવે પર વાહન વ્યવહારની સાથે અકસ્માતોને ટાળવા માટે હાઈવે પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જે નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. અમદાવાદમાં ખાસ એસ જી હાઈવે પર ત્રણ કલબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મહાઉસમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઉમટે છે. અકસ્માતની ઘટના ટાળવા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ભારે વાહનોના પ્રવેશ પર 11 વાગ્યા સુધી પ્રવેશવા પ્રતિબંધ છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. કર્ણાવતી ક્લબથી ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિલોમીટરના વિસ્તારમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિક સર્જાય છે.

કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તા એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ ચાલુ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. ટ્રાફિક જામની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આ રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવશે. ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ આવી વ્યવસ્થા કરાશે.

આપણ વાંચો:  ગોધરામાં 13 કલાકનો વીજકાપઃ સ્થાનિક લોકોએ વીજ કચેરી પર કર્યો હલ્લાબોલ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button