નવસારીમાં પીએમ મિત્ર ટેક્સટાઈલ્સ પાર્કનો ડીપીઆર થયો મંજૂર

અમદાવાદઃ દિલ્હી ખાતે મળેલી એક બેઠકમાં નવસારીમાં ગ્રીનફિલ્ડ પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક માટે અંતિમ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) મંજૂર કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. આ મંજૂરીથી વાંસી બોરસી ગામમાં 1,142 એકર જમીન પર વિકાસનો માર્ગ મોકળો થયો છે. આ મંજૂરી સાથે ટેક્સટાઈલ્સ પાર્ક માટે માસ્ટર ડેવલપર ટેન્ડર બીજી વખત ફરીથી બહાર પાડવામાં આવશે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સુરત ટેક્સટાઈલ સિટિ તરીકે ઓળખાય છે અને લાખો-કરોડોનો કારોબાર અહીંથી થાય છે.
જોકે નવસારીના ટેક્સટાઈલ્સ પાર્કનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં શિલાન્યાસ કર્યો હોવા છતાં, અમુક વિવાદોને કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો. આ મુદ્દાઓને ઉકેલવા માટે, કાપડ મંત્રાલયએ રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ નિગમ સાથે મળીને 17 ડિસેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીમાં પીએમ મિત્રા મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ પાર્ક માટે સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન, કાપડ મંત્રાલયના સૂત્રોએ જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં ત્રણ ગ્રીનફિલ્ડ ટેક્સટાઇલ પાર્ક માટે કુલ રૂ. 5,567 કરોડ ડીપીઆરને મંજૂરી આવામાં આવી હતી. નવસારી પીએમ મિત્રા પાર્ક માટે ડીપીઆર પણ મંજૂર કરવામાં આવ્યો છે.
પીએમ મિત્ર યોજના હેઠળ, પ્રોજેક્ટ્સને વિકાસ ખર્ચના 30% સુધીની રકમ સહાય તરીકે પ્રાપ્ત થશે, સાથે સાથે પ્રતિ પાર્ક રૂ. 300 કરોડ સુધીના સ્પર્ધાત્મક પ્રોત્સાહનો પણ મળશે. આ પહેલનો ઉદ્દેશ્ય લગભગ રૂ. 70,000 કરોડનું રોકાણ આકર્ષવાનો અને લગભગ 20 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવાનો છે, તેવી માહિતી અહેવાલ દ્વારા મળી હતી.
પીએમ મિત્ર પાર્ક ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન (5-એફ)વિઝન હેઠળ સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને આવરી લેવામાં આવે છે. સ્પિનિંગ, વણાટ, પ્રોસેસિંગ અને ગારમેન્ટિંગને એક જ પ્લેટફોર્મ પર લાવવાનુ લક્ષ્ય છે.



