ગુજરાતમાં બેવડી ઋતુની અસર દેખાઈ રહી છે હૉસ્પિટલોમાંઃ ડોક્ટરોએ આપી આવી સલાહ
અમદાવાદઃ ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલી ઠંડી હવે ધીમે ધીમે ઘટતી જાય છે. જાન્યુઆરી મહિનામાં શિયાળાની ઋતુનો અનુભવ થયો, પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી બેવડી ઋતુ ચાલી રહી છે. વહેલી સવારે પવન અને ઠંડી અને દિવસ દરમિયાન સખત તાપ અનુભવ થાય છે, ત્યારે સાંજે આઠેક વાગ્યા બાદ ફરી ઠંડક અનુભવાય છે. જોકે રાત્રે ભલે એસી ચાલુ ન થતાં હોય, પરંતુ પંખા ચાલુ થઈ ગયા છે. આવા વાતાવરણમાં લોકો વધારે બીમાર પડે છે. અમદાવાદની હૉસ્પિટલોમાં આ જોઈ શકાય છે. સરકારી અને ખાનગી બન્ને હૉસ્પિટલોમાં દરદીઓની લાઈન લાગી છે.
રાત અને દિવસના તાપમાનમાં મોટો તફાવત હોવાના કારણે ગુજરાતમાં હાલ લોકોને રાત્રે ઠંડી અને દિવસમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બદલાતી ઋતુ વચ્ચે રાજ્યમાં રોગચાળાના કેસ વધ્યા છે. અમદાવાદમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં પણ સતત વધારો થયો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં બેવડી ઋતુથી સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 20,565 ઓપીડી નોંધાઇ છે. સૌથી વધારે વાયરલ ઇન્ફેકશનના 327 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો…રાહુલ ગાંધી શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રાખે છે? તેલંગણાનો અહેવાલ આપી રહ્યો છે જવાબ
માત્ર અમદાવાદ નહીં વડોદરા શહેર પણ બીમારીના ભરડામાં આવી ગયું છે. સરકારી SSG હોસ્પિટલમાં ઓપીડીમાં એક હજારની વધારે કેસ નિયમિત આવી રહ્યા હોવાની માહિતી છે. વડોદરામાં બેવડી ઋતુથી રોગચાળો વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.