બેવડી ઋતુ: ઠંડી-ગરમી વચ્ચે અકળામણ! પણ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદના સંકેત! | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

બેવડી ઋતુ: ઠંડી-ગરમી વચ્ચે અકળામણ! પણ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદના સંકેત!

અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે તેવા સમયમાં પણ મેઘરાજા જવાનું નામ નથી લઈ રહ્યા. જો કે આ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ શિયાળાની અસર પણ જોવા મળી રહી છે. પાછા ફરતા મોસમી પવનોની આ બેવડી ઋતુની સ્થિતિ અકળાવનારી બની રહી છે.

સવારે ઠંડીનો અનુભવ, દિવસે તાપ અને બફારો તો ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના જિલ્લાઓ, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં; કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના છે.

આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 35° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 25° સે. નોંધાયું હતું. ભુજનું મહત્તમ તાપમાન 30° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 25° સે., અમદાવાદનું મહત્તમ તાપમાન 34° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 25° સે., રાજકોટનું મહત્તમ તાપમાન 31° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 23° સે., સુરતનું મહત્તમ તાપમાન 32° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 25° સે., વડોદરાનું મહત્તમ તાપમાન 34° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 26° સે. તેમજ નલિયાનું મહત્તમ તાપમાન 29° સે. જ્યારે લઘુત્તમ તાપમાન 24° સે. નોંધાયું હતું.

આ પણ વાંચો…અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય: ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની ચેતવણી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button