અમદાવાદમાં હિન્દુ બિલ્ડરની મદદ લઈ અશાંત ધારાના કથિત દુરુપયોગનો મામલો કોર્ટમાં…

અમદાવાદઃ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ‘બાગબાન’ નામના બાંધકામ હેઠળના પ્રોજેક્ટ માટે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ (અશાંત ધારા) ની મંજૂરી મેળવવામાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ હેઠળ કથિત રીતે મંજૂરી મેળવવા માટે એક હિન્દુ વ્યક્તિને ભાગીદાર બનાવવામાં આવ્યા હોવાના આરોપો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) એ ખાનપુર સાઇટને સીલ કરી દીધી હતી. હાઇકોર્ટે પક્ષકારોને સ્થળ પર સ્ટેટ્સ કવૉ (જેમ છે તેમ)ની સ્થિતિ જાળવવા તાકીદ કરી હતી.
આ અંગેની મળતી વિગતો અનુસાર રેહબર ડેવલપર્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલા પ્રોજેક્ટમાં જયમીન ભરવાડ નામના એક હિન્દુ વ્યક્તિને 5 ટકા હિસ્સો આપીને ભાગીદાર બનાવવામાં આવ્યો હતો, જેથી ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટની મંજૂરી મેળવી શકાય. જોકે, બાદમાં એવું બહાર આવ્યું કે મંજૂરી મળ્યા પછી તરત જ ભરવાડને ભાગીદારીમાંથી દૂર કરવામાં આવ્યા હતો. ભાગીદારીમાં પઠાણ આદિલ ખાન વસ્તી ખાનની 90 ટકા, મુજીબ ખાન પઠાણ 5 ટકા અને જયમીન ભરવાડ 5 ટકાના ભાગીદાર બતાવવામાં આવ્યા હતા, બાદમાં જયમીનને છૂટ્ટો કરી દેવામાં આવ્યો હતો.

આ મામલો દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પ્રકાશમાં લાવ્યા હતા. તેમણે મુખ્ય પ્રધાન કાર્યાલય અને કલેક્ટરને ફરિયાદો કરી હતી. વારંવાર આવી પ્રેક્ટિસ થતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો અને દાવો કર્યો હતો કે હિન્દુ ભાગીદારોને ફક્ત મંજૂરી મેળવવા માટે કાગળ પર સામેલ કરવામાં આવે છે અને પછીથી તેમની ભાગીદારી રદ કરી દેવામાં આવે છે.
ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે હિન્દુ વિસ્તારોમાં યોજના મંજૂર કરાવવા માટે વ્યક્તિને 5 ટકા ભાગીદારી આપવામાં આવે છે, અને મંજૂરી મળ્યા પછી, તે વ્યક્તિને દૂર કરવામાં આવે છે. આવી યોજનાનો ઉપયોગ અમારા વિસ્તારમાં બાગબાન પ્રોજેક્ટમાં પણ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉલ્લંઘનો મળી આવ્યા બાદ સપ્ટેમ્બર 2024 માં આ સ્થળને સૌપ્રથમ સીલ કરવામાં આવ્યું હતું. દંડ ચૂકવ્યા પછી તેને પાછળથી ખોલવામાં આવ્યું હોવા છતાં, કલેક્ટરની તપાસ દરમિયાન નવી ફરિયાદો અને અનિયમિતતાઓ મળી આવ્યા બાદ તેને ફરીથી સીલ કરવામાં આવ્યું હતું.
ડેવલપર ગ્રુપે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે આગળના બાંધકામ પર સ્ટે મૂક્યો હતો અને મનપાને પણ આગળ કોઈ કાર્યવાહી ન કરી, હાલની સ્થિતિ યથાવત રાખવા આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



