અમદાવાદ

ડિંગુચા ગામના પરિવારના મોત મામલે US કોર્ટે ગુજરાતીને 10 વર્ષની સજા ફટકારી

મિનિયાપોલિસ: ત્રણ વર્ષ પહેલા ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પરિવારના 4 સભ્યો કેનેડાથી યુએસમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હતાં, આ ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો હતો. હવે ત્રણ વર્ષ બાદ અમેરિકાની એક કોર્ટે ડીંગુચા ગામના રહેવાસી હર્ષકુમાર રમણલાલ પટેલને માનવ તસ્કરીની કામગીરીમાં ભૂમિકા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે.

હર્ષકુમાર પટેલને ગયા વર્ષે નવેમ્બરમાં મિનેસોટા ફેડરલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. બુધવારે, ન્યાયાધીશે તેને ગેરકાયદે બોર્ડર ક્રોસિંગ કરાવવાના ગુના બદલ 10 વર્ષની સજા ફટકારી હતી. યુએસ કોર્ટના ન્યાયાધીશે જણાવ્યું કે આ મૃત્યુ અટકાવી શકાયા હોત. કોર્ટે દાણચોરીના જોખમો પર પ્રકાશ પાડ્યો હતો

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે “ડર્ટી હેરી”ના ઉપનામથી જાણીતા હર્ષકુમાર પટેલ અને યુએસ નાગરિક સ્ટીવ શેન્ડ, એક દાણચોરી નેટવર્કનો ચલાવતા હતાં. તેઓ ભારતીય નાગરિકોને ગેરકાયદે બોર્ડર ક્રોસિંગ કરાવતા હતાં. આ ઘટનામાં મૃતકો આરોપીની એક જ અટક હતી અને એક જ ગામના રહેવાસી હતાં છતાં તેમના વચ્ચે કોઈ સંબંધ ન હતાં.

કોર્ટના રેકોર્ડ મુજબ, જ્યારે સજા સંભળાવવામાં આવતી હતી ત્યારે હર્ષકુમાર પટેલ મૌન રહ્યો હતો અને કોઈ ચહેરા પર કોઈ ઈમોશન દેખાતા ન હતાં. જેલની સજા પૂરી થયા પછી તેને ભારત મોકલવામાં આવે તેવી શક્યતા છે. તેમના વકીલે દાવો કર્યો હતો કે તેની ભૂમિકા ગૌણ હતી, પરંતુ ફરિયાદીઓએ દલીલ કરી હતી કે તેમણે વ્યક્તિગત લાભ માટે લોકોની આશાઓનો દુરુપયોગ કર્યો હતો.

શું હતી ઘટના:

જાન્યુઆરી 2022માં શીયાળાની ભયંકર ઠંડી વચ્ચે કેનેડાથી યુએસમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા જગદીશ પટેલ (39), તેમની પત્ની વૈશાલીબેન, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષના પુત્ર ધાર્મિકના મોત થયા હતાં.

આ ઘટના 19 જાન્યુઆરી, 2022 ના રોજ બની હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને મેનિટોબા નજીક યુએસ-કેનેડા બોર્ડરની ચાર મૃતદેહો મળી આવ્યા હતા. ડીંગુચા ગામના આ પરિવારે વધુ સારી લાઈફ સ્ટાઈલની લાલચે યુએસમાં ઘુસવા ગેરકાયદે ઘુસણખોરી કરાવતા એજન્ટનો સંપર્ક કર્યો હતો. પરિવાર ટુરિસ્ટ વિઝા પર કેનેડા ગયો હતો, ત્યાંથી યુસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આપણ વાંચો:  ટીબી મુક્ત ગુજરાત: રાજ્યમાં મૃત્યુદર અને નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો

આ કિસ્સાનો પડઘો ગુજરાતમાં ઉપરાંત દેશભરમાં પડ્યો હતો. આ ઘટનાને કારણે ડીંગુચા ગામ લોકોના ધ્યાનમાં આવ્યું હતું. આ ગામમાં સંખ્યાબંધ પરિવારો ગેરકાયદે રીતે વિદેશમાં ગયા છે.

પરિવાર મૃત્ય પામ્યો હતો એ જૂથમાં સામેલ સાત અન્ય લોકો ક્રોસિંગ કરી યુએસમાં ઘુસવામાં સફળ થયા હતાં. જો કે અત્યંત ઠંડીને કારણે કેટલાક બીમાર પડ્યા હતાં. ફરિયાદીઓએ જણાવ્યું કે કે આ જૂથમાં સામેલ લોકોને કઠોર હવામાનનો સામનો કરવા માટે યોગ્ય કપડા આપવામાં આવ્યા ન હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button