અમદાવાદ

“દોઢ ફૂટિયા વિક્રમ, માપમાં રહેજે”: ઠાકોર સમાજના બંધારણના ભંગ મુદ્દે ભાજપ નેતા કલાકાર પર લાલઘૂમ

અમદાવાદ: ગુજરાતમાં હાલ એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને તે છે સમાજનું બંધારણ. સમાજના બંધારણના નિર્માણ અને તેના ભંગ બાદની કાર્યવાહીની બબાલ મુદ્દે ઉતર ગુજરાતના અભિનેતા વિક્રમ ઠાકોર ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને ડીજે વગાડવાના પ્રતિબંધ મુદ્દે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરી દેવાના સમર્થનમાં વિક્રમ ઠાકોર આવ્યા હતા. ત્યારે આ બાબતે વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. ત્યારે હવે આ મુદ્દે કલાકાર પર ભાજપ નેતા લાલઘૂમ થયા હતા.

મળતી વિગતો અનુસાર, બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલા બંધારણના ખુલ્લેઆમ ભંગ મુદ્દે બબાલ મચી ગઈ છે. ત્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં ઉતરનાર વિક્રમ ઠાકોરને ભાજપ નેતા અને રાધનપુરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશ ઠાકોરે આડેહાથ લીધા છે. તેમણે વિડિયોમાં વિક્રમ ઠાકોરને તેની મર્યાદામાં રહેવાની ભલામણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે સમાજ દ્વારા જે સોળ મુદ્દાઓનું બંધારણ ઘડવામાં આવ્યું તેને અમુક લોકો તોડીને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. તેમણે કહ્યુ હતું કે હું ખાસ કરીને વિક્રમ ઠાકોરને ખાસ ભલામણ કરીશ કે દોઢ ફૂટીયા તારી મર્યાદામાં રહેજે. તારા પ્રોગ્રામ નહોતા થતાં, ત્યારે તને ઠાકોર સેનાએ સમર્થન આપ્યું ત્યારે તારા કાર્યક્રમ મહેસાણા બાજુ મળવા લાગ્યા.”

ભાજપ નેતાએ વિક્રમ ઠાકોરને સલાહ આપતા કહ્યું હતું કે, તું તારી મર્યાદામાં રહેજે. સમાજે મળીને જે 16 મુદ્દાઓનું બંધારણ ઘડ્યું છે, તેના લીરેલીરા ઉડાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે “પાટણ બાજુ કાર્યક્રમ કરીને બતાવજે, તને ખબર પડી જશે.” તેમણે એમ પણ કહ્યું હતું કે સમાજે તને સમર્થન આપ્યું અને આજે તું સમાજની સામે થયો છે. સરકારમાં તને આમંત્રણ ન મળ્યું, ત્યારે તે આખા સમાજને ભેગો કર્યો હતો.

આ પણ વાંચો…‘કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મને ફોન કરજો’: વિક્રમ ઠાકોરનો સમાજ સામે ‘બળવો’

દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને તેની ફિલ્મોના મુદ્દે પણ ઘેરતા કહ્યું હતું કે, તે કેવી ફિલ્મો બનાવી છે તેની બધાને ખબર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ફિલ્મો સમાજના યુવાનોને ખોટી દિશામાં લઈ જાય તેવી છે. દારૂના રવાડે ચડાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે અંતે કહ્યું હતું કે આ બાબતે બોલવું નહોતું પરંતુ ગળે સુધી આવી જતાં બોલવું પડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમને કોઈનો અંગત વિરોધ નથી પરંતુ સમાજના બંધારણને તોડનારાઓનો સંપૂર્ણ વિરોધ છે. હાલ આ વીડિયોએ ફરીથી અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button