ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા તેનાં 24 વર્ષ પૂર્ણ, આજથી વિકાસ સપ્તાહની ઉજવણી | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા તેનાં 24 વર્ષ પૂર્ણ, આજથી વિકાસ સપ્તાહની ઉજવણી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા ઉજાગર કરવા તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદથી લઈને વડાપ્રધાન પદ સુધીની વિકાસની ૨૪ વર્ષની સફરને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, અને ૨૦૧૪માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા. “ગુજરાતના વિકાસની આ યાત્રાને ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે, રાજ્ય સરકાર ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિવિધ લોકોપયોગી યોજનાઓ લોન્ચ કરીને અને રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરીને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરશે.”

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે, તેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્ય પ્રધાન, મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ જ સમયે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા-કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. વધુમાં આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસ સપ્તાહની વિધિવત શરૂઆત કરવામાં આવશે.

‘વિકાસ સપ્તાહ’માં મુખ્ય આકર્ષણો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન, સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના લોકેશન પર પદયાત્રા, દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે જેમાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત@૨૦૪૭ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન-ચિંતન કરાશે. આ ઉપરાંત અન્ય ૫૦ સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે. તે ઉપરાંત પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલા લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા વડાપ્રધાનને એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજીક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડથી વધું પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે. આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હે, આયુષ્માન ભારત, નાણાકીય સમાવેષિકરણ અને DBT, સોલાર રૂફટોપ યોજના, તા. ૨૨ સપ્ટેમ્બરથી આવેલ GST સુધારા જેવા વિવિધ વિષયો પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

આ દરમિયાન ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સાથે અન્ય કુલ ૩૩ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી રોજગારમેળાના કાર્યક્રમો યોજાશે. જેમાં ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૫ હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ પણ કરવામાં આવશે. વધુમાં, ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે ૧૦૦થી વધુ MOUs પણ કરવામાં આવશે.

રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત, રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં ૧ કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત તથા ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન તેમજ તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ” લેવડાવવામાં આવશે.

તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબરના દિવસે નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ, સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન, તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રિસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન તેમજ તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. 14 ઓકટોબરના રોજ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

૧૫ ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ. ૧ કરોડથી રૂ. ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા પણ Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર તેમજ દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…Gujarat ના 23 વર્ષના વિકાસ યાત્રાની ઉજવણી, 7 થી 15 ઓકટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button