અમદાવાદઃ રાજ્યમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં વધારો થયો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. જોકે, આ વર્ષે પોઝિટિવિટી દરમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ઉમેર્યું હતું કે ચોમાસાની મોસમ પૂરી થતાંની સાથે જ સાવચેતીના ભાગરૂપે તેમણે મોટી સંખ્યામાં સીરમ નમૂનાનું પરીક્ષણ વધાર્યું હતું.
વર્ષ 2023માં ડેન્ગ્યુના નિદાન માટે 1,49,844 સીરમ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 7,088 ડેન્ગ્યુ માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. સેરોપોઝિટિવિટી રેટ 4.7 ટકા હતો. વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના નિદાન માટે 2,21,358 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 7,820 ડેન્ગ્યુ માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જે 3.5 ટકાનો દર દર્શાવે છે
આ પણ વાંચો: Kutchમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્યતંત્ર એક્શનમાં
આ વર્ષે, ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે રાજ્ય સરકાર દ્વારા ડેન્ગ્યુ એનએસ 1 પ્રકારના પરીક્ષણોની 1,700 કીટ્સ ખરીદવામાં આવી હતી અને નિદાન કેન્દ્રોને પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ભારત સરકાર તરફથી પ્રાપ્ત થયેલી 611 ડેન્ગ્યુ આઇજીએમ કીટ્સ (58,656 પરીક્ષણો) નિદાન કેન્દ્રોને ફાળવવામાં આવી હતી.
આ પણ વાંચો: મહિનામાં ડેન્ગ્યુના વધુ ૪૪૩ કેસ, છૂટાછવાયા વરસાદને લીધે મલેરિયાના કેસ પણ વધી રહ્યા છે
વધુમાં, રાજ્યએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1,139 નિષ્ણાતોને “ડેન્ગ્યુના ક્લિનિકલ મેનેજમેન્ટ” માં તાલીમ આપવામાં આવી હતી. રાજ્યમાં ડેન્ગ્યુથી ચેપગ્રસ્ત વાયરસના પ્રકારને જાણવા માટે, સીરમ નમૂનાઓ અને મચ્છરોને બીજે મેડિકલ કોલેજ અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) ગાંધીનગરમાં સેરોટાઇપ નિર્ધારણ માટે મોકલવામાં આવ્યા હતા. તેના પરિણામોનો ઉપયોગ કરીને, રોગ નિવારણ અને નિયંત્રણ કામગીરીનું આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો, એમ નિવેદનમાં જણાવાયું હતું.