અમદાવાદ

સેફ્ટી ફર્સ્ટઃ PM Modi આદમપુર પહોંચ્યા પછી હવે સંરક્ષણ પ્રધાન ગુજરાત આવશે, ક્યાં જશે?

અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ દેશના રક્ષા પ્રધાન ગુજરાત આવશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રો અનુસાર રક્ષા પ્રધાન ભુજ એરબેઝની મુલાકાત લેશે. તેમની સાથે પશ્ચિમ એર કમાન્ડના પ્રમુખ પણ સાથે રહેશે.

ભુજ એરબેઝ પણ ભારતની મોટી તાકાત છે. ભુજ એરબેઝ પરતી બોલિવૂડ ફિલ્મ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા બની ચુકી છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. પાકિસ્તાને એરસ્ટ્રીપને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ ભુજની મહિલાઓએ રાતોરાત એરસ્ટ્રીપ તૈયાર કરી હતી. રાજનાથ સિંહ તેમના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.

આ પણ વાંચો: ‘આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ અપાયો…’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન

તાજેતરમાં ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભુજ શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અનેક ડ્રોન કચ્છમાં તોડી પાડવામાં આવ્યા હતા. ભુજ એરબેઝ પાકિસ્તાન સરહદથી 160 કિમી દૂર છે. 11 મેના રોજ યુદ્ધવિરામ બાદ બીજા દિવસે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 13 મેના રોજ સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેમણે ન માત્ર ભારતીય સૈનિકોનું મનોબળ વધાર્યું પરંતુ પાકિસ્તાનના ફેક્ટ ચેકની પોલ પણ ખોલી હતી.

ઓપેશન સિંદૂરનો શું હતો ઘટનાક્રમ

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના 15 દિવસ પછી, ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button