
અમદાવાદ: રાજ્યમાં વર્ષો સુધી જોવા મળેલી સતત વૃદ્ધિ બાદ, હવે ગુજરાતમાં દારૂના ‘હેલ્થ પરમિટ’ ધારકોની સંખ્યા એક સ્તરે આવીને અટકી ગઈ હોય તેમ લાગે છે. રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે સક્રિય લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2024માં પરમિટની કુલ સંખ્યા 45,000 હતી, જે 2025માં વધીને 45,500 થઈ હતી, એટલે કે માંડ 1 ટકાનો વધારો થયો છે. જોકે અમદાવાદ, સુરત જેવા શહેરોના બદલે જામનગરમાં લિકર પરમિટ ધારકોની સંખ્યા વધી હતી.
મળતી વિગત પ્રમાણે, નવી પરમિટો અથવા રિન્યુઅલની પ્રક્રિયા 2022 અને 2023માં જોવા મળેલી સિંગલ-ડિજિટ વૃદ્ધિ કરતા પણ ઘણી ધીમી નોંધાઈ હતી. વર્ષ 2020માં પરમિટની સંખ્યા 27,452 હતી જે 2021માં વધીને 37,421 થઈ હતી, પરંતુ ત્યારબાદના વર્ષોમાં આ ગ્રાફ નીચો આવતો ગયો છે. ઉદ્યોગ જગતના સૂત્રો અને લિકર સ્ટોર ધારકો આ સ્થિતિ માટે બદલાતી નીતિઓ, વહીવટી અવરોધો અને વપરાશની બદલાતી રીતભાતને જવાબદાર ગણાવે છે.
કયા વર્ષે કેટલા પરમિટ ધારકો
2020 – 27,452
2021 – 37,421
2022 – 40,921
2023- 43,470
2024 – 45,000
2025 – 45,500
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દારૂના સ્ટોર્સ પર હેલ્થ પરમિટ સાથે જોડાયેલા ગ્રાહકોની સંખ્યામાં ચોક્કસપણે નરમાશ આવી છે. અમદાવાદમાં નવી હોટેલો ખુલવાની સાથે સ્ટોર્સની સંખ્યા વધી છે. જોકે, પરમિટની સંખ્યા સ્થિર રહેતા ઘણા આઉટલેટ્સમાં માંગ અટકી ગઈ છે અને કેટલાક કિસ્સાઓમાં તો સ્ટોર્સ નુકસાનમાં જઈ રહ્યા છે. આની સીધી અસર નિયમિત વ્યવસાય પર પડી રહી છે, ખાસ કરીને એવા સ્ટોર્સ જે નવા પરમિટ કરતા રિન્યુઅલ પર વધુ નિર્ભર હતા.
લિકર પરમિટ સ્થિર રહેવાના મુખ્ય કારણો:
ગિફ્ટ સિટી (GIFT City) માં છૂટછાટ: એક મહત્વનું કારણ ગિફ્ટ સિટીમાં નિયમોમાં અપાયેલી છૂટછાટ છે, જ્યાં નિયંત્રિત રીતે દારૂના સેવનની મંજૂરી અપાઈ છે. આ નાણાકીય હબના કર્મચારીઓ અને વારંવાર આવતા મુલાકાતીઓ, જેઓ પહેલા હેલ્થ પરમિટ માટે અરજી કરતા હતા, તેમને હવે ગિફ્ટ સિટીમાં જ મંજૂરી મળતી હોવાથી અલગથી પરમિટ લેવા કે રિન્યુ કરાવવામાં ઓછો રસ છે.
સિવિલ હોસ્પિટલમાં વિલંબ: હેલ્થ પરમિટ માટે સિવિલ હોસ્પિટલનું ક્લિયરન્સ ફરજિયાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા જિલ્લાઓમાં નવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ્સની નિમણૂક બાદ મંજૂરી અને રિન્યુઅલ પ્રક્રિયા ધીમી પડી છે. તેઓ નિયમ પુસ્તકનું કડક પાલન કરી રહ્યા છે, જેથી ફાઈલો ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધે છે.
વિઝિટર પરમિટનો વધતો ક્રેઝ: કોર્પોરેટ મુસાફરો અને અન્ય રાજ્યથી આવતા લોકો હવે લાંબા ગાળાની હેલ્થ પરમિટના બદલે ‘વિઝિટર પરમિટ’ વધુ પસંદ કરી રહ્યા છે. બિઝનેસ ટ્રીપ્સ ટૂંકા ગાળાની હોવાથી સાપ્તાહિક ધોરણે રિન્યુ થતી વિઝિટર પરમિટ વધુ અનુકૂળ રહે છે. આના કારણે હેલ્થ પરમિટના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે.
2025માં 14,700 પરમિટ ધારકો સાથે અમદાવાદ હજુ પણ યાદીમાં મોખરે છે, પરંતુ સુરત અને રાજકોટ જેવા પરંપરાગત વ્યાપારી કેન્દ્રોમાં છેલ્લા બે વર્ષમાં પરમિટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
કયા જિલ્લામાં કયા વર્ષે કેટલી પરમિટ ઈસ્યુ થઈ અને ટકાવારી
| જિલ્લો | 2023 | 2024 | બદલાવ (ટકામાં) | 2025 | બદલાવ (ટકામાં) |
| અમદાવાદ | 13,456 | 14,000 | + 4% | 14,700 | + 5% |
| સુરત | 9,238 | 9,000 | – 2.6% | 8,375 | – 6.9% |
| રાજકોટ | 4,502 | 4,300 | – 4.5% | 3,750 | – 12.7% |
| વડોદરા | 2,747 | 3,200 | + 16.7% | 3,675 | + 14.8% |
| જામનગર | 2,039 | 2,200 | + 7.9% | 2,550 | + 15.9% |
| ગાંધીનગર | 1,851 | 1,600 | – 13.6% | 1,820 | + 13.75% |
આ પણ વાંચો…મોંઘી થઈ ‘મદિરા’ની પરમિટ! ફીમાં 25 ટકાનો વધારો છતાં અમદાવાદમાં લિકર પરમિટની સંખ્યામાં ત્રણ ગણો



