પ્રેરણારૂપ કિસ્સો: રક્ષાબંધનના દિવસે અકસ્માતમાં ભાઈના મૃત્યુ બાદ પરિવારે કરાવ્યું અંગદાન!
અમદાવાદ: ભાઈ બહેનના અતૂટ પ્રેમના પ્રતિક સ્વરૂપે આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની. મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની અને અમદાવાદમાં પેટીયુ રળવા કેટલાક સમયથી સ્થાયી થયેલ પ્રકાશભાઇ તેઓ રક્ષાબંધનના રોજ સુરેન્દ્રનગર પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા જતાં હતા ત્યારે ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ત્યારબાદ તેઓને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ઇજા ગંભીર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા.
અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા બાદ જીવન અને મરણ વચ્ચે 6 દિવસની લડત આપ્યા બાદ પ્રકાશભાઇને આજે 24 ઓગષ્ટના રોજ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હવે અંગદાન માટે હાજર ૨૫ થી ૩૦ પરીવારજનોએ એકસાથે સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય નિર્ણય કર્યો હતો. અહી આ ક્ષણે તેમની બહેનો પણ હજાર હતી અને પોતાના ભાઈના અંગોનું દાન કરીને અન્યના ભાઈની કલાઈ જીવંત રહે તે ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે બંને બહેનો પણ સહભાહી બન્યા.
પ્રકાશભાઈનાં અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ અને હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આઇ હોસ્પિટલ માં આઇ બેંકમાં સ્વીકારવામા આવશે. આમ આ અંગદાનથી કુલ ચાર લોકોની જીંદગી બચાવી શકાશે તેમજ બે લોકો ને આંખોની રોશની મળી રહેશે.
આ પણ વાંચો: “ડોકટરોની ટીમે હાથ જોડ્યા પરિવારે કલમા પઢયાં” અને અમદાવાદ સિવિલને મળ્યું 160મુ અંગદાન
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 162 અંગદાતાઓ થકી કુલ ૫૨૪ અંગોનું દાન મળેલ છે. જેના થકી 508 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે પ્રકાશભાઈના પરિવારજનોએ સાચા અર્થમાં “બધા ભારતીયો મારા ભાઈ બહેન છે” તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે.