અમદાવાદટોપ ન્યૂઝ

ચંડોળા તળાવ ડિમોલિશનઃ લલ્લા બિહારીની ધરપકડ, મકાનમાંથી મળી ચોંકાવનારી વસ્તુ…

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. બે દિવસમાં તંત્રે 2000થી વધારે ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાપ-દીકરા ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઉભું કર્યું હતું અને સરકારી જમીન પર મકાન બનાવીને ભાડે આપતા હતા.

લલ્લાના અલગ અલગ જગ્યાઓ પર આવેલા ત્રણ મકાનોમાં પોલીસે સર્ચ કર્યું હતું. જેમાં સહી સિક્કા વાળા સ્ટેમ્પ, લેટરપેડ, ભાડાની અને અન્ય વ્યવસાયના હિસાબો મળી આવ્યા હતા.તેઓ ગેરકાયદે પ્રવૃત્તિમાં પણ સામેલ હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તથા પોલીસ કમિશનર જી.એસ મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની સહિતના અધિકારીઓ ચંડોળા તળાવ પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ બે દિવસથી ચાલતી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો.

હર્ષ સંઘવીને લલ્લા બિહારી વિશે માહિતી આપવામાં આવી
જેસીપી ક્રાઈમ શરદસિંઘવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને લલ્લા બિહારી વિશે માહિતી આપતા જણાવ્યું કે, તે બાંગ્લાદેશથી મહિલાઓને કામની લાલચે અહીં લાવતો હતો. સવારે તે સાવરણી અને સિલાઈ મશીનની ફેક્ટરીમાં કામ કરાવતો હતો અને રાત્રે દેહવેપાર કરાવતો હતો. અહીં તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી.

ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડીને પરત મોકલવામાં આવશેઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, એક એક ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડીને પરત મોકલવામાં આવશે. જ્યાંથી અલ કાયદાના 4 આતંકી ઝડપાયા હતા તે જગ્યા ધ્વસ્ત કરી છે. છેલ્લા છ મહિનાથી અહીં ડ્રગ્સ, દેહવેપાર, ચોરી સહિતના ધંધા કરતા લોકો રહેતા હતા.

ઉલ્લેખનીય છે કે બીજા દિવસે પણ ચાંપતા બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી થઈ રહી છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને લઈ જોવા મળ્યા હતા. ડિમોલિશનના બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આપણ વાંચો: અમદાવાદમાં ‘દાદા’નું ચાલ્યું બુલડોઝરઃ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button