અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય: ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં એકતરફ નોરતા અને આસો મહિનામાં જ અષાઢ મહિના જેવો માહોલ સર્જાયો છે, ત્યારે હવે ગુજરાતના દરિયા નજીક ચોમાસાની ઋતુ બાદ વર્ષ 2025નું પહેલું વાવાઝોડું સર્જાયું છે. જેને સાઈક્લોન શક્તિ (Cyclone Shakti) નામ આપવામાં આવ્યું છે. હાલ તો આ સિસ્ટમ ગુજરાત નજીક અરબી સમુદ્રમાં છે અને તે દરિયામાં આગળ વધતાની સાથે જ તે વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે. તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આગામી 24 કલાક દરમિયાન તીવ્ર બનીને ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થશે.
શુક્રવારે સવારે ૧૧:૩૦ કલાકે, ‘ચક્રવાત શક્તિ’ ગુજરાતના દ્વારકાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ ૨૫૦ કિમી દૂર કેન્દ્રિત હતું. તેની સ્થિતિ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં અક્ષાંશ 21.7 ∘N અને રેખાંશ 66.8∘ E ની નજીક હતી. તે નલિયાથી ૨૭૦ કિમી દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી ૩૦૦ કિમી પશ્ચિમમાં અને કરાચીથી ૩૬૦ કિમી દક્ષિણમાં હતું.

કયા થશે અસર?
શક્તિ વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. મધ દરિયેથી વળાંક લઈને ગુજરાત તરફ ગતિ કરતા વાવાઝોડાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે પણ આ વાવાઝોડું ગંભીર બને તેવી આગાહી કરી છે. શક્તિ વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તાર પર વ્યાપક અસર કરશે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ ભલે ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થાય, પરંતુ તે ગુજરાતના દરિયાકાંઠાની નજીક પહોંચતા પહેલા ઘણીરીતે નબળી પડી જશે, જેના કારણે ભારતીય ભૂમિ પર તેની કોઈ મોટી અસર થવાની સંભાવના નથી. જોકે, તેના અવશેષોના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આઈએમડીના અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે તોફાનનો માર્ગ ભારતીય ભૂમિથી દૂર છે.

શું કહ્યું હવામાન વિભાગે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સર્જાઈ ગયું છે. વિભાગે અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવા સહિત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાને લઈને ચેતવણી આપી હતી. અરબ સાગરમાં 55-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધ્યું છે, જે વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. જેમાં 3 ઑક્ટોબરની સાંજે હવાનું દબાણ 75-85 કિ.મી. પ્રતિ કલાક થવાની સંભાવના છે. 4 ઑક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે. આ દરમિયાન 100-110 કિ.મી. પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ 125 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપે જઈ શકે છે.
સાયક્લોનિક શક્તિની સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને 3થી 6 ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવા અને અરબ સાગરમાં ન જવા સૂચના આપવામાં આવી છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બીજા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાતી નથી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે અને આ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની પણ વધારે શક્યતા છે.
આ ઉપરાંત જામનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં પવનની ગતિ થોડી વધારે રહી શકે છે અને છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેશે અને અહીં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના બીજા વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના નથી પરંતુ 6 ઑક્ટોબરથી ફરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં ચક્રવાત શકિત ત્રાટકવાની શકયતા, મુંબઈ સહિત અનેક જીલ્લાઓ માટે ચેતવણી જાહેર