સાયબર ફ્રોડની તાત્કાલિક જાણ કરવાથી 23 લાખ કેસોમાં ₹7,130 કરોડ બચ્યા

અમદાવાદઃ સાયબર ફ્રોડની જો તાત્કાલિક જાણ કરવામાં આવે તો સરકાર તમારા પૈસા બ્લોક કરી શકે છે અને તમને પૈસા પાછા અપાવી શકે છે. આ માટે I4C હેઠળ ‘સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (CFCFRMS) વર્ષ 2021 માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં, લગભગ 23.02 લાખથી વધુ ફરિયાદોમાં રૂ. 7,130 કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી લેવામાં આવી છે. ઓનલાઈન સાયબર ફરિયાદો નોંધાવવામાં સહાય મેળવવા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘1930’ કાર્યરત કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાયબર ગુનાઓનો સંકલિત કરવા માટે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) ની સ્થાપના કરી છે. આ માહિતી ગૃહ મંત્રાલયના રાજ્યમંત્રી, બંદી સંજય કુમારે રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને એક સવાલના જવાબમા આપી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓના સહયોગથી I4C દ્વારા 10.09.2024 ના રોજ શંકાસ્પદ સાયબર ગુનેગારોના રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં, બેંકો અને 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ તરફથી પ્રાપ્ત થયેલા 18.43 લાખથી વધુ શંકાસ્પદ આઈડેન્ટિટી ડેટાને સસ્પેક્ટ રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે શેર કરવામાં આવ્યા છે અને રૂ. 8031.56 કરોડના વ્યવહારોને રોકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં ₹100 કરોડના સાયબર ફ્રોડ મામલે ED એ કેટલા કરોડની સંપત્તિ જપ્ત કરી?
સાયબર ક્રાઇમ ઈન્વેસ્ટિગેશન, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન વગેરેના મહત્વપૂર્ણ પાસાઓ પર ઓનલાઈન કોર્સ દ્વારા પોલીસ અધિકારીઓ અને જ્યુડિશિયલ અધિકારીઓને તાલીમ આપી I4C હેઠળ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ (MOOC) પ્લેટફોર્મ, ‘સાયટ્રેન’ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,44,895 થી વધુ પોલીસ અધિકારીઓ અને ન્યાયિક અધિકારીઓ નોંધાયેલા છે અને પોર્ટલ દ્વારા 1,19,628 થી વધુ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે, તેમ પણ તેમણે તેમના જવાબમાં ઉમેર્યું હતું.
કેન્દ્ર સરકાર વારંવાર તાકીદ કરે છે કે સાયબર ફ્રોડ થાય અને પૈસાની ઉચાપાત થાય તો તાત્કાલિક પોલીસની મદદ લેવામાં આવે, જેથી પૈસાનો વ્યવહાર અટકાવી શકાય. ઘણીવાર લોકો શરમને લીધે પોલીસને જાણ કરતા નથી, પરંતુ એક તો તમારે સતર્ક રહેવાનું છે જો તમારી છેતરામણી થઈ જાય તો સૈ પ્રથમ પોલીસને જાણ કરવાની છે, તો તમારા પૈસા ફરી આવવાની શક્યતાઓ અનેકગણી વધી જશે.



