
અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ સામે લોકો એલર્ટ થઈ રહ્યા છે તેમ સાયબર ગુનેગારોએ હવે લોકોના ડર અને ઉતાવળનો ફાયદો ઉઠાવવા માટે એક નવું હથિયાર અપનાવ્યું છે. તેઓ એક્સિડન્ટ એલર્ટના મેસેજ મોકલીને લોકોને ડરાવે છે કે તેમના કોઈ નજીકના સંબંધીનો ગંભીર અકસ્માત થયો છે. પોલીસ અને સાયબર ક્રાઈમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કૌભાંડ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઝડપથી ફેલાયું છે, જેમાં પીડિતો OTP કે બેંકિંગ વિગતો શેર કર્યા વગર પણ નાણાં ગુમાવી રહ્યા છે.
ખેડા જિલ્લાના તાજેતરના એક કિસ્સામાં, એક ખેડૂત પર ફોન આવ્યો કે તેમના એક સંબંધીનો અકસ્માત થયો છે. કોલ કરનારે કહ્યું કે તે ઈજાગ્રસ્ત વ્યક્તિના ફોટા વોટ્સએપપર મોકલી રહ્યો છે અને આટલું કહીને ફોન કાપી નાખ્યો. થોડી જ વારમાં ખેડૂતને એક ઈમેજ ફાઇલ મળી. જ્યારે તેમણે તેના પર ક્લિક કર્યું, ત્યારે સ્કેનર જેવું ઇન્ટરફેસ દેખાયું. કંઈક શંકાસ્પદ લાગતા તેમણે તરત જ ફાઇલ ડિલીટ કરી દીધી અને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો.
જોકે, કલાકો પછી જ્યારે તેઓ ATM માંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમના બેંક ખાતામાંથી અંદાજે રૂ. 50,000 કપાઈ ગયા છે. બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ રકમ UPI આધારિત ટ્રાન્સફર દ્વારા ઓનલાઈન ઉપાડી લેવામાં આવી હતી. ત્યારબાદ પીડિતે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ છેતરપિંડીમાં ‘રિમોટ એક્સેસ ટ્રોજન્સ’ નો ઉપયોગ કરવામાં આવે છે, જે ઈમેજ ફાઇલોમાં છુપાયેલા હોય છે. એક અધિકારીએ જણાવ્યું કે, જે ક્ષણે ફાઇલ ખોલવામાં આવે છે, તે જ ક્ષણે ફોનમાં મેલિશિયસ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. આ સોફ્ટવેર ઠગબાજોને ફોન પર નજર રાખવા, બેંકિંગ એપ્લિકેશન્સ એક્સેસ કરવા અને પીડિતની જાણ વગર ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપે છે.
પરંપરાગત સ્કેમ્સથી વિપરીત, આ પદ્ધતિમાં પીડિતોએ OTP, PIN અથવા કોઈ લિંક શેર કરવાની જરૂર પડતી નથી. આ વાયરસ ફોનની ‘એક્સેસિબિલિટી પરમિશન’નો ઉપયોગ કરે છે અને બેકગ્રાઉન્ડમાં ચાલતો રહે છે, જેના કારણે જ્યાં સુધી પૈસા ઉપડી ન જાય ત્યાં સુધી તેની શોધ કરવી મુશ્કેલ બને છે.
સૂત્રોએ જણાવ્યું કે, ઠગબાજો હવે લોકોને ભાવનાત્મક રીતે જાળમાં ફસાવી રહ્યા છે. અકસ્માત, હોસ્પિટલમાં દાખલ થવા અથવા પોલીસ ઈમરજન્સી વિશેના મેસેજ લોકોને ઉતાવળમાં નિર્ણય લેવા માટે મજબૂર કરવા માટે મોકલવામાં આવે છે.



