ક્રિસમસ ઉપર અમદાવાદમાં માત્ર 35 મિનિટ ફટાકડા ફોડવાનું ફરમાન…

અમદાવાદઃ ક્રિસમસના તહેવારોની યુવાનો ખાસ રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે અમદાવાદ પોલીસે તેમને થોડા નિરાશ કરી નાખ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે ક્રિસમસ અને નવા વર્ષ પર ફક્ત 35 મિનિટ માટે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે.
આ આદેશ અનુસાર, 24-25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર-1 જાન્યુઆરીની રાત્રે રાત્રે 11.55 થી 12.30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સમયની બહાર કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ગુજરાત પોલીસ અધિનિયમ, અને સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ માર્ગદર્શિકા અનુસાર આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
આ સાથે માત્ર અધિકૃત એજન્સીઓ દ્વારા માન્ય ગ્રીન ક્રેકર્સને જ મંજૂરી આપવામાં આવશે. હાઇ-ડેસિબલ, સીરીઝ ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. ફટાકડા ફક્ત લાઇસન્સ પ્રાપ્ત વેપારીઓ દ્વારા જ વેચી શકાય છે, જ્યારે ઓનલાઈન વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. હોસ્પિટલો, શાળાઓ, કોર્ટ, ધાર્મિક સ્થળો, બજારો, સાંકડી ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ અને એરપોર્ટ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. આ સાથે તુક્કલ પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે અમદાવાદમાં 24 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી પ્રતિબંધો અમલમાં રહેશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.



