અમદાવાદમાં પોક્સો કેસમાં બીજી વખત ગુનો કરનાર આરોપીને કોર્ટે ફટકારી ‘આજીવન કેદ’!

અમદાવાદ: શહેરમાં પોક્સો કાયદા હેઠળના એક ગંભીર ગુનામાં વિશેષ પોક્સો કોર્ટે શનિવારે મોટો ચુકાદો આપ્યો હતો. અન્ય એક પોક્સો કેસમાં પેરોલ પર જેલમાંથી બહાર આવેલા આરોપીને બે સગીર બાળકીઓ પર જાતીય હુમલો કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સિટી સેશન્સ કોર્ટના વિશેષ પોક્સો જજ આરોપી મોહમ્મદ રંગરેજ ઉર્ફે કાલુને સખત સજા સંભળાવતાં જણાવ્યું હતું કે, “અગાઉના બળાત્કાર સંબંધિત ગુનાઓમાં ૧૦ વર્ષની સજા હોવા છતાં આરોપીએ તેમાંથી બોધપાઠ લીધો ન હતો અને વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો.”
કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો આવા આરોપીને હળવી સજા આપવામાં આવે, તો સમાજમાં આવા ગુનાઓમાં વધારો થઈ શકે છે, અને જે યુવાનો સજાના ડરથી ગુનો કરતા નથી, તેમના પર પણ નકારાત્મક અસર પડી શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “અન્ય આરોપીઓ કે જેઓ સજા ભોગવીને સુધારો કરવા અને સમાજના ઉપયોગી સભ્ય બનવા માગે છે, તેમના પર પણ હળવી સજાની નકારાત્મક અસર થઈ શકે છે. આવા સંજોગોમાં ગુના માટે હળવી સજા લાદવાનું કોઈ ન્યાયિક કારણ નથી.”
આ ૩૦ વર્ષીય આરોપી રંગરેજ, ઇસનપુર વિસ્તારના મિલ્લતનગરનો રહેવાસી છે. તેને ૨૦૧૭માં પોક્સો હેઠળ ૧૦ વર્ષની સજા થઈ હતી. ઓક્ટોબર ૨૦૨૦માં તે ૧૫ દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. પેરોલ દરમિયાન ૯ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ તેની સામે દાણીલીમડા પોલીસમાં એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં તેના પર એક ૭ વર્ષની બાળકી પર બળાત્કાર અને બીજી ૬ વર્ષની બાળકીની છેડતી કરવાનો આરોપ હતો.
ટ્રાયલ બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. તેના વકીલે અગાઉની સજાનું કારણ આપીને દયાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે આ મામલે સખત વલણ અપનાવતા કહ્યું હતું કે, “આરોપીએ અગાઉના ગુનાની સજા ભોગવતો હોવા છતાં આ ગુનો કર્યો છે. આ હકીકત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આરોપીને અગાઉ પણ આવા ગુના બદલ સજા થઈ હતી અને વચગાળાના જામીન દરમિયાન તેણે નિર્દોષ બાળકો સામે વધુ એક ગુનો કર્યો. આ વર્તન અક્ષમ્ય છે. તેથી, આરોપીને અને સમાજને આવા ગુનાઓ કરતા અટકાવવા અને ભવિષ્ય માટે બોધપાઠ મળે તે માટે સખત સજા જરૂરી છે.” આજીવન કેદની સજાની સાથે કોર્ટે બંને પીડિત બાળકીઓને વળતર તરીકે પ્રત્યેકને ૭ લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.
આપણ વાંચો: અમદાવાદમાં પત્નીની આંખ સામે તેના પૂર્વ પ્રેમીએ પતિને માર્યા છરીના ઘા!



