RTI અરજદારો પર નિયંત્રણ, રાજ્યમાં વર્ષે માત્ર આટલી જ કરી શકાશે અરજી

અમદાવાદઃ રાજ્યમાં ઘણા લોકો આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતા હોય છે, આ પૈકી ઘણા લોકોના ઇરાદા સારા નથી હોતા. તાજેતરમાં મોરબીના એક યુવકની RTI અરજી મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ અરજીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અમલ વિશે માહિતી માંગવામાં આવી હતી.
અરજી ફગાવવાનું કારણ અરજીઓ પરની ‘વર્ષે 12 RTI’ ની મર્યાદા દર્શાવવામાં આવ્યું હતું. જવાબમાં ગુજરાત રાજ્ય માહિતી આયોગના 12 માર્ચના નિર્દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીના પત્રમાં લખ્યું હતું કે, આ આદેશ મુજબ, એક કેલેન્ડર વર્ષમાં માત્ર 12 RTI અરજીઓ દાખલ કરી શકાય છે અને દરેકમાં વધુમાં વધુ પાંચ પ્રશ્નો હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘણા જાહેર માહિતી અધિકારીઓ હવે દરેક અરજદારને શપથ પર બાંયધરી આપવા માટે કહી રહ્યા છે. આ પ્રથા લગભગ દોઢ વર્ષથી ચાલુ છે. આણંદના એક RTI અરજીકર્તાએ તેમણે 22 ઓગસ્ટના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે RTI અરજી દાખલ કરીને પૂછ્યું હતું કે ખતરનાક જાહેર કરાયેલ એક જર્જરિત શાળાનું મકાન હજી કેમ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. પરંતુ 8 ઓક્ટોબરના રોજ, તેમની અરજી તેમણે એક વર્ષમાં 12 થી વધુ અરજીઓ દાખલ નહીં કરવાની બાંયધરી આપતો કરાર આપ્યો ન હોવાના કારણે રદ કરવામાં આવી હતી.
કોઈપણ મર્યાદાઓ પર કોઈ સર્વગ્રાહી કાયદો ન હોવા છતાં, કેટલાક કિસ્સાઓમાં,ગુજરાત રાજ્ય માહિતી આયોગ એ ‘અતિશય’ RTI ઉપયોગના કેસોને ટાંકીને આ નિયંત્રણોને યોગ્ય ઠેરવ્યા છે. સુરેન્દ્રનગરના રહેતા એક યુવકને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેઓ એક કેલેન્ડર વર્ષમાં 12 થી વધુ RTI અરજીઓ દાખલ કરી શકશે નહીં તેમ જણાવાયું હતું. તેમણે 2016 અને 2025 ની વચ્ચે 448 RTI અરજીઓ દાખલ કરી હતી, જેમાંથી ઘણી સરકારી વેબસાઇટ્સ પર પહેલેથી જ ઉપલબ્ધ માહિતીની માંગ કરતી હતી.
આ પણ વાંચો…AMCના કૌભાંડો ખોલનાર દિવ્યાંગ RTI એક્ટિવિસ્ટની હત્યા, 4 આરોપી ઝડપાયા, 20 લાખમાં ડીલ!



