જોરાવરસિંહ જાદવનું પ્રદાન: 100થી વધુ પુસ્તકો લખ્યા, લોક કલાકારોને વિશ્વ મંચ પર મૂક્યા

અમદાવાદ: ગુજરાતના લોકકલા ક્ષેત્રે ‘સામા પ્રવાહે તરવા’નું પરાક્રમ કરનાર અને અનેક લોકકલાકારોના તારણહાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે 7મી નવેમ્બર, 2025, શુક્રવાર સવારે 5:00 વાગ્યે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતના લોકસાહિત્ય અને સાંસ્કૃતિક જગતમાં એક યુગનો અંત આવ્યો છે.
જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી, 1940ના રોજ ધંધુકાના આકરું ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. અનુસ્નાતક થયા પછી શિક્ષક અને પ્રોફેસરની નોકરી છોડીને તેમણે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં ફરજ બજાવી, પરંતુ તેમના જીવનનો મુખ્ય ધ્યેય લોકકલાને જીવંત રાખવાનો રહ્યો.
તેમણે જ્ઞાત-અજ્ઞાત લોકકલાકારોને ધૂળમાંથી રતન સમજીને શોધી કાઢ્યા અને તેમને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ વિશ્વ મંચ પર સ્થાન અપાવ્યું. જોરાવરસિંહ જાદવે 1979માં ગુજરાત લોકકલા કેન્દ્ર અને ત્યારબાદ 1993માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ સંસ્થા થકી તેમણે 2000થી વધુ લોકકલાકારોને શોધી કાઢ્યા અને 5000થી વધુ કલાકારોને સંસ્થા સાથે જોડ્યા.
તેઓ સતત એવા રસ્તાઓ શોધતા રહ્યા જેનાથી કલાકારોને રોજગારી મળી શકે. હોટલો, શોભાયાત્રાઓ, મંદિરો અને લગ્ન પ્રસંગોમાં કલાકારોને કામ અપાવીને તેમણે તેમની આર્થિક સ્થિતિ સુધારી હતી.તેમણે અમદાવાદની કર્ણાવતી ક્લબમાં રાસ, ગરબા અને લોકનૃત્ય માટે પ્રત્યેક વિભાગ દીઠ ₹1 લાખનું ઇનામ રાખીને સ્પર્ધા યોજી, જે કલાવિશ્વના ઇતિહાસમાં એક મોટો ચમત્કાર ગણાય છે.
100થી વધુ પુસ્તકો લખ્યાં
લોકકલાના આ કર્મશીલે માત્ર લોકકલાકારોને જ નહીં, પરંતુ લોકસાહિત્યને પણ સમૃદ્ધ બનાવ્યું હતું. તેમણે લોકજીવન અને લોકકલાઓ પર 100થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનાં અનેક પુસ્તકો યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તકો તરીકે ભણાવવામાં આવે છે. તેમણે પોતાના વતન આકરુ ગામમાં લોકકળાનું એક સુંદર સંગ્રહાલય પણ ઊભું કર્યું છે.
મરદ કસુંબલ રંગ ચડે
તેમના ગ્રંથોમાં ગ્રામજીવનની વીરરસયુક્ત કથાઓ મુખ્ય છે, જેમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’, ‘મરદાઈ માથા સાટે’, ‘રાજપૂત કથાઓ’ અને ‘લોકસાહિત્યની ચતુરાઈકથાઓ’ જેવી કૃતિઓ નોંધનીય છે. બાળવાર્તાઓના ક્ષેત્રે પણ તેમણે ‘ભાતીગળ લોકકથાઓ’ અને ‘મનોરંજક કથામાળા’ જેવાં પુસ્તકો આપીને બાળકોને લોકજીવન સાથે જોડ્યા.
આ ઉપરાંત, તેમણે સંદર્ભસાહિત્ય અને સંશોધનમાં પણ સક્રિયતા દર્શાવી, જેમાં ‘આપણા કસબીઓ’, ‘લોકજીવનના મોભ’, ‘ગુજરાતની લોકસંસ્કૃતિ’, ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’, અને ‘પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો’ જેવાં ઉપયોગી ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે ‘ગુજરાતી લોકસાહિત્યમાળા’ અંતર્ગત ભાલપંથકનાં લોકગીતોનું સંપાદન તેમજ ‘લોકસાહિત્યની નાગકથાઓ’ અને ‘ગુજરાતની લોકકથાઓ’ જેવા લોકસાહિત્યના સંપાદન ગ્રંથો પણ આપ્યા છે. આમ, જોરાવરસિંહ જાદવનું સાહિત્ય ગ્રામીણ કથાઓ, બાળવાર્તાઓ અને ઊંડા સાંસ્કૃતિક સંશોધનનો સર્વગ્રાહી સમન્વય રજૂ કરે છે.
સન્માનો અને સિદ્ધિઓ
લોકકલા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હતા. તે ઉપરાંત મેઘાણી સુવર્ણચંદ્રક (૧૯૭૫), ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (૨૦૧૨), ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, NCERTનું પ્રથમ પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી તેમને નવાજવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હી સ્થિત સંગીત નાટ્ય અકાદમીના વાઇસ પ્રેસિડેન્ટ પણ હતા.
આપણ વાંચો: ગુજરાતમાં વધી રહી છે આ જીવલેણ બીમારી, દરરોજ આવી રહ્યા છે 200થી વધુ કેસ



