અમદાવાદમાં કોન્ટ્રાક્ટરોને અધૂરી કામગીરી કરવી પડશે ભારે, થશે આ મોટું નુકસાન

અમદાવાદઃ શહેરમાં ઘણી વખત કોન્ટ્રાક્ટરો કામ રાખ્યા બાદ અધવચ્ચેથી છોડી દેતા હોય છે અથવા તો સમયસર પૂર્ણ કરતા નથી. જોકે હવેથી તેમને આમ કરવું મોંઘુ પડી શકે છે.
SOP જાહેર કરવામાં આવી
મળતી વિગત પ્રમાણે, કોર્પોરેશનના કોન્ટ્રાકટરો માટે એસ.ઓ.પી.જાહેર કરાઈ હતી.નિયત સમયમાં કામ પુરુ ના કરે અથવા અધુરી કામગીરી છોડી જતા રહે એવા કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરતા પહેલા ત્રણ નોટિસ આપવામાં આવશે. લીગલ ખાતુ પણ નોટિસ આપશે. આમ છતાં કોન્ટ્રાકટર તરફથી કોઈ સ્પષ્ટતા ના મળે તો કોર્પોરેશનના આર્થિક નુકસાનને તેની બેન્ક ગેરંટીમાંથી વસૂલ કરાશે.
નોટિસ આપ્યા પછી બ્લેકલિસ્ટ કરવા કમિટી બનાવાશે
કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ પૈકી ઘણાં કામોમા કોન્ટ્રાકટરોની બેદરકારી જોવા મળતી હોય છે. આવા કિસ્સાઓમાં જે તે કોન્ટ્રાકટરને નોટિસ આપ્યા પછી બ્લેકલિસ્ટ કરવા કમિટી બનાવાશે.કમિટીમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, ઝોન,પ્રોજેકટ, ફાયનાન્સ, વિજિલન્સ ઉપરાંત સીટી ઈજનેર, વોટર રીસોર્સિસ મેનેજમેન્ટ તથા વિભાગના ઉપરી અધિકારી તમામ બાબતનો અભ્યાસ કરી કોન્ટ્રાકટરને ડી-બાર કે બ્લેક લિસ્ટ કરવા અંગે અંતિમ નિર્ણય લેશે. આમ હવેથી કોન્ટ્રાક્ટરોને કામમાં ઢીલાશ કે અધ વચ્ચેથી પડતું મૂકવું ભારે પડી શકે છે.
આપણ વાંચો: પીએમ મોદી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કામગીરીની કરશે સમીક્ષા, જાણો વિગત
 


