અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે અમે 2027માં ગુજરાતની ચૂંટણી જીતીશું. ત્યારબાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સર્જાયેલ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના ઉદેશ્ય સાથે કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે. આ ન્યાય યાત્રા બે તબક્કામાં યોજાવાની છે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થવાના છે.
આ પણ વાંચો: Rahul Gandhi ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે
ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ન્યાય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા ઓગષ્ટ મહિનાના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ કરવા જઈ રહી છે. આ ન્યાય યાત્રાનો રુટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ આ યાત્રા દરમ્યાન મોરબી, રાજકોટ ગેમઝોનના પીડિતો અને સાથે જ અન્ય લોકો સાથે મુલાકાત કરશે અને તેમના ન્યાય માટે કોંગ્રેસ આ યાત્રાનું આયોજન કરી રહી છે. જ્યારે બીજા તબક્કાની ન્યાય યાત્રાની શરૂઆત સુરતથી કરવામાં આવશે.
આગામી ઓગષ્ટથી યોજાનાર કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી સામેલ થઈ શકે છે. મોરબી ખાતેથી ન્યાય યાત્રા ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ અમદાવાદ પહોંચશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રામાં દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં 99 બેઠકો સુધી પહોંચી ગયેલી કોંગ્રેસની સ્થિતિને લઈને રાહુલ ગાંધી ફરી એકવાર મોટા ગજાના નેતા તરીકે ઊભરી રહ્યા છે. કોંગ્રેસને 99 બેઠકો સુધી પહોંચાડી અને ભાજપના ગઢ ગુજરાતમાં એક બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય ચિત્રણ અલગ જ થઈ રહ્યું છે. ગુજરાતમાં એક બેઠક જીત્યા બાદ જાણે કોંગ્રેસ માટે ગુજરાત જ લક્ષ્ય હોય તેમ રાહુલ ગાંધીએ લોકસભાના પહેલા જ સત્રમાં ભાજપને તેના ગઢ ગુજરાતમાં જ હરાવવાનો પડકાર ફેંક્યો હતો.